તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપી કોણ?: 12 વર્ષની બાળકીએ બાળકને જન્મ આપ્યો, તેનો DNA ટેસ્ટ મેચ કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત: સમાજમાં શું ચાલી રહ્યું છે, તે મુદ્દે ચોંકાવનારો અને આંખ ઉઘાડનારો કિસ્સો કાકરાપાર વિસ્તારમાં બન્યો છે. જેમાં 12 વર્ષની બાળકીએ બાળકને જન્મ આપ્યો છે. આ બાળકીની માતાએ તા. 27-6-18ના રોજ કાકારાપાર પોલીસ મથકમાં પોતાની બાળકી પર તેના મામાના પુત્રએ બળાત્કાર ગુજાર્યો હોવાની શંકા દર્શાવતી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે બીજા દિવસે જ્યારે બાળકીની માતાનું નિવેદન નોંધ્યું ત્યારે માતાએ બાળકીના પિતા સામે પણ શંકા દર્શાવી હતી. જેમાં એવી વાત કરી હતી કે બાળકીએ પિતાનું નામ આપ્યું હતું.

 

બે વ્યક્તિ સામે શંકા દર્શાવાતા પોલીસ ચકરાવે ચડી હતી. આખરે કાકરાપાર પોલીસે બન્નેના ડીએનએ ટેસ્ટ કરાવી લીધા. હવે બાળકીએ જે બાળકને જન્મ આપ્યો તેની સાથે ડીએનએ ટેસ્ટ મેચ કરવામાં આવશે. ત્યાર બાદ બેમાંથી જેના ડીએનએ મેચ થશે તેની ધરપકડ કરવામાં આવશે. કાકરાપાર વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારનો આ હચમચાવી નાખતો કિસ્સો છે. જેમાં 12 વર્ષની બાળકીની માતાએ ફરિયાદ નોંધાવી તેના મામાના દીકરા સામે શંકા દર્શાવી હતી. પોતાની બાળકી સાથે મામાના દીકરાએ દુષ્કર્મ આચરી 12 વર્ષની બાળકીને સગર્ભા બનાવી દીધી હતી. એ સાથે જ પોલીસે ગંભીરતાથી ધ્યાને લઈ ગુનેગારને પકડી  પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.


પણ, પોલીસ હજુ તો ગુનેગાર સુધી પહોંચે એ પૂર્વે જ ફરિયાદ નોંધાઈ તેના બીજા જ દિવસે બાળકીની માતાએ પોતાના નિવેદનમાં પોલીસને એવી હકીકત વર્ણવી હતી કે બાળકીએ તેના પિતાનું નામ આપ્યું છે. પિતાએ પણ દુષ્કર્મ કર્યાનું પુત્રીએ કહેતા મામલો વધુ ગંભીર બન્યો હતો. કાકરાપાર પોલીસ મથકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ફરજ બજાવે છે. આ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી જ કરી શકે એ વાતને ધ્યાને લઈ ઉકાઇના સીપીઆઈને આ તપાસ સોંપવામાં આવી હતી.


આ બાબતે તપાસનીશ અધિકારી સીપીઆઈ એમ.વી. કિકાણીનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે હાલના તબક્કે પોલીસે બાળકીના પિતા અને ફરિયાદમાં જે યુવાન સામે શંકા દર્શાવી છે એ યુવાનના ડીએનએ ટેસ્ટ લઈ લીધા છે. 12 વર્ષની બાળકીએ બાળકને જન્મ આપ્યો છે. બાળક સવા મહિનાનું થશે ત્યારે તેનો ડીએનએ ટેસ્ટ કરાવાશે. ત્યાર પછી એ ડીએનએ ઉપરોક્ત બન્નેના ડીએનએ સાથે મેચ કરાવાશે, બન્નેમાંથી જેના ડીએનએ સાથે આ બાળકનો ડીએનએ મેચ થશે તેની ધરપકડ કરવામાં આવશે.

 

મંગળવારે પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી


સોમવારે 12 વર્ષની બાળકીએ બાળકને જન્મ આપ્યો એ સાથે જ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી ઉકાઈ પોલીસને ફોન મારફતે જાણ કરાઈ હતી. તાત્કાલિક અસરથી પોલીસને મોકલવાની જાણ કરી હતી. એ સાથે જ એક જમાદાર નવી સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા. પણ એક જ દિવસનું બાળક હોવાથી તેનું બ્લડ સેમ્પલ લઈ શકાયું નહીં.
 

બાળકીની માતાએ ડીએનએ ટેસ્ટ કરાવવાના ફોર્મ ઉપર સહી કરવાનો નનૈયો ભણી દીધો


બાળકીના ડીએનએ ટેસ્ટ માટે એક ફોર્મ ભરવામાં આવે છે. આ ફોર્મમાં બાળકીની માતાની સહી અનિવાર્ય છે. આ ફોર્મ ભરી બાળકીની માતાની સહી કરાવવાનો પ્રયાસ કરાયો તો તેની માતાએ સહી કરવાનો ઇનકાર કરી દીધો હતો અને જ્યાં સુધી બાળકીના પિતાની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી પોતે સહી નહીં કરે તેવું કહ્યું હતું.