સુરત: કરદાતાઓને ‘ 360 ’ ડિગ્રીએ ઘેરતું IT

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 10 કરોડ નવા કરદાતા જોડવાનો ટાર્ગેટ આઇટી વિભાગને આપી દીધો છે અને વડાપ્રધાનના ‘મનની વાત’ ની જાણકારી અગાઉથી જ આઇટી વિભાગને હોય એમ આ ટાર્ગેટને પહોંચી વળવા માટે અગાઉથી જ ‘360’ નામનું એક સોફ્ટવેર તૈયાર કર્યું છે. આ સોફ્ટવેરના આધારે પાનકાર્ડ અને આધારકાર્ડ સહિતના 22 જાતના ઓળખના પુરાવા લિન્ક કરવામાં આવ્યા છે.
- કરદાતાઓને ‘ 360 ’ ડિગ્રીએ ઘેરતું IT
- દેશભરમાંથી 10 કરોડ નવા કરદાતા જોડવાનો ટાર્ગેટ આઇટી વિભાગને અપાયો
- પાનકાર્ડ, આધાર, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા 22 પુરાવાને લિન્ક કરી સોફ્ટવેર બનાવાયું
એટલે કોઇ એક પુરાવા આધારે પણ જો ટ્રાન્ઝેક્શન થાય તો તેની રજેરજની વિગત આઇટી અધિકારીને એસી કેબિનમાં બેઠા-બેઠા થઈ જશે. અત્યાર સુધી બેન્કો અને શેરબજાર પાસેથી આ વિગતો આવતી હતી. હવે બધી જ પ્રકારની માહિતી એક જ સોફ્ટવેરના આધારે ઉપલબ્ધ બની રહેશે. એટલે સુરતમાં બે લાખ જેટલાં નવા કરદાતા વધારવાનો લક્ષ્યાંક હાંસિલ કરવામાં સરકારી બાબુઓને 360 ડિગ્રી સોફ્ટવેર ઘણો જ ઉપયોગી સાબિત થશે. કરદાતા વધારવા માટેના અભિયાન અને લખલૂંટ ખર્ચ કરીને પણ ટેક્સ ઝાળથી આબાદ છટકી જતાં કરદાતાને ઘેરવા માટે આઇટીએ એક મલ્ટીનેશનલ એજન્સી સાથે મળીને તૈયાર કરેલાં સોફ્ટવેરને એનએસડીએલ મારફત માહિતી મળશે. આઇટીના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે આ સોફ્ટવેર હાલ તૈયાર થઈ રહ્યો છે જેનું કામ અંતિમ તબક્કામાં છે.
ખરીદી સમયે આધારકાર્ડ
કરદાતા કાર ખરીદવા જાય અને તે 5 લાખની ઉપરની હોય અને ડોક્યુમેન્ટ રૂપે આધારકાર્ડ જમા કરે તો તેના આધારે પણ ITને માહિતી મળી જશે.
વિદેશ પ્રવાસમાં પાસપોર્ટ

વિદેશ પ્રવાસ વખતે પાસપોર્ટના આધારે પણ ટુરની તમામ માહિતી મળી જશે. જ્વેલર્સના ત્યાંની ખરીદી તો પાનકાર્ડના આધારે જ માલુમ પડી જાય છે.
ક્રેડિટ કાર્ડથી થયેલી ખરીદી પણ ખબર પડી જશે
ક્રેડિટ કાર્ડ દ્વારા રૂપિયા બે લાખની ઉપરની ખરીદીની માહિતી પણ મળશે.
બેંક ટ્રાન્ઝેક્શન
બેન્કમાં 5 લાખની ઉપરની ડિપોઝિટ, શેરનું મોટુ ટ્રાન્ઝેક્શન, ડિવિન્ડની આવક કે FD પરના વ્યાજની માહિતી આ સોફ્ટવેર મારફત મળી જશે.
મહત્વના પુરાવા બેંક એકાઉન્ટ સાથે લિન્ક કરાયા

કરદાતાને દરેક રીતે ઘેરવા માટે આ સોફ્ટવેરમાં બધુ જ છે. આ માટે અનેક કરદાતાના એકથી વધુ ઓળખકાર્ડની માહિતી મેળવવામાં આવી છે. જેની એક સાથે લિન્ક કરાઈ છે. ધારો કે એક ‘ક’ નામનો કરદાતા છે તે તેનો પાનકાર્ડ, આધારકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને બેન્ક અેકાઉન્ટ નંબર બધુ જ એક સાથે લિન્ક કરવામાં આવ્યુ છે એટલે કરદાતા કોઇ એક નંબરનો ઉપયોગ કરીને પણ જો કોઈ ટ્રાન્ઝેક્શન કરશે તો તેની માહિતી સોફ્ટવેર કેચ કરીને પાનકાર્ડના આધારે જે તે એરિયાના આઇટી અધિકારી સુધી પહોંચાડી દેશે. નોંધનીય છે કે આઇટી અધિકારીઓ પાસે પોતાના વોર્ડમાં જે કરદાતા રહેતા હોય કે ધંધાકીય પ્રિમાઇસીસ હોય તેના પાનકાર્ડ અગાઉથી જ ઉપલબ્ધ હોય છે.
પાનકાર્ડ ન હોય અને ખર્ચ કરનારા સાણસામાં

પાનકાર્ડ વગર આંક મીચીને ખર્ચ કરનારઓ પણ સાણસામાં આવ્યા છે, કેટલાંક કેસમાં તો નોટિસ પણ ઇશ્યુ કરાઇ છે. મોટાભાગે વિદેશ ટુર પર જનારાઓ, ફેમિલી ટુર હોય તો વ્યક્તિગત ખર્ચની વિગત, કાર ખરીદી હોય , મોબાઇલ બિલ સતત વધતુ જ જતુ હોય, લાઇટબીલ ~ 25000ની ઉપર આવતુ હોય, મેનેજમેન્ટ ક્વોટામાં લાખ્ખો ખર્ચીને પ્રવેશ મેળવ્યો હોય, હોટલમાં અપાતી પાર્ટી-મિટિંગના જલસા અને 30 લાખની અંદરની કોઈ પ્રોપર્ટી ખરીદી હોય. પાનકાર્ડ રજૂ કર્યા વગર થતાં આ પ્રકારના ટ્રાન્ઝેકશનની વિગતો પણ આઇટી મેળવી રહ્યુ છે અને નોટિસ પણ ઇશ્યુ થઈ રહી છે.
ટેક્નોલોજીનો ભરપુર ઉપયોગ કરાઇ રહ્યો છે

‘ એનએસડીએલ (નેશનલ સિક્યુરિટીઝ ડોપોઝીટરી લી.) શેર બજાર ઉપરાંતના ડેટા પ્રોવાઇડ કરે છે. હવે ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ ડિપાર્ટમેન્ટ કરી રહ્યુ છે એટલે ટ્રાન્ઝેક્શન છુપાવવા કરદાતા માટે અઘરું છે.’ - બિરજુ શાહ, સી.એ.
અન્ય સમાચારો પણ છે...