તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરિપુરામાં હીરાના વેપારીને ત્યાંથી 1 કરોડ રોકડા મળ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: ITની ઇન્વેસ્ટિગેશન વિંગે બાતમીના આધારે હરિપુરા અને મહિધરપુરા હિરાબજારમાં ઓફિસ ધરાવતા ડાયમંડના બે વેપારીઓને ત્યાં તપાસ શરૂ કરી છે. 2 બેગમાંથી 1 કરોડ રોકડા મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે હીરાવેપારીઓ અને ઉદ્યોગપતિઓ પાસે કરોડોની રોકડ પડી હોવાના મેસેજ લાંબા સમયથી અધિકારીઓને મળી રહ્યા છે, પરંતુ ઠોસ માહિતીના અભાવે અત્યાર સુધી કોઈ તપાસ કરાતી ન હતી. નોટબંધી બાદ શહેરમાં આ પહેલો કેસ છે જેમાં વિંગે ઓપરેશન હાથ ધર્યું છે.
નોટબંધી બાદ સુરતમાં પહેલો કેસ ITની તપાસમાં
વિમુદ્રીકરણ બાદ વિંગને રોકડ અંગે અનેક પ્રકારની માહિતી મળતી રહી છે. અધિકારીઓના ફોન સતત રણકતાં રહ્યા છે. જો કે, માહિતી કાચી હોવાથી વિંગને કોઈ સફળતા મળતી નથી. એક અધિકારીની તો આખેઆખી 100 પાનાની બુક ફોન પર મળેલી માહિતીના આધારે ભરાઈ ગઈ હતી, પરંતુ ઓપરેશન સફળ રહ્યું ન હતું. આ દરમિયાન એક માહિતી મંગળવારે સાચી નિકળી હતી. અધિકારીઓએ હરિ પુરાસ્થિત હાથ ફળિયામાં ડાયમંડ અને ફાયનાન્સના ધંધા સાથે સંકળાયેલાં મહેન્દ્ર શાહ નામના વેપારીની એચડીસી બિલ્ડિંગમાં આવેલી ઓફિસ પર મોડી સાંજે તપાસ શરૂ કરી હતી.

સ્થળ પરથી 2 બેગ મળી હતી. આઇટી અધિકારીઓએ કહ્યું કે બંને બેગમાં રૂપિયા એક કરોડની 500-1000ના દરની જૂની નોટો હતી, જેના પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત મોડી સાંજે મહિધરપુરા હિરા બજારમાં કિરણ નામના અેક ડાયમંડ વેપારી -ફાયનાન્સરને ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. આ ફાયનાન્સરને ત્યાં કેટલાં રૂપિયા મળ્યા છે એ હાલ જાણી શકાયું નથી. મોડી રાત સુધી રોકડની ગણતરી ચાલુ રહી હતી.
85 ટકા ટેક્સનો નવો નિયમ લાગુ પડી શકે

અધિકારી સૂત્રોએ કહ્યું કે અેવું જરૂરી નથી કે રોકડ મળી હોય એટલે એ બ્લેક મની જ હોય. આ રોકડ ચોપડે બતાવી હશે અને તેની પાછલાં વર્ષની એન્ટ્રી હશે તો જોવામાં આવશે કે તેના પર ટેક્સ ભરાયો છે કે નહીં. ઉપરાંત આ વર્ષની હશે તો એની પણ તપાસ કરાશે. જો હિસાબ ચોપડે નહીં હોય તો બની શકે કે 85 ટકા ટેક્સનો જે નવો નિયમ આવ્યો છે તે લાગુ પડે.

ડિસ્કાઉન્ટનો વેપલો કરાતો હોવાની આશંકા

આઇટીના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે કોઈ ફાયનાન્સરે આ રૂપિયા મોકલાવ્યા હતા. 20 ટકાના હિસાબે આ રૂપિયા નવી કરન્સીમાં કન્વર્ટ કરવાના હતા. અલબત્ત, અધિકારીએ એ જણાવ્યું ન હતું કે ડિસ્કાઉન્ટના આ ધંધામાં નવી નોટ કેવી રીતે અને કેટલાં પિરિયડમાં આપવાની હતી. અધિકારીઓ જેના રૂપિયા છે એ ફાયનાન્સરને શોધી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...