સુરત રેલવેને ૧૦ દિવસમાં ૮ કરોડ કરતા વધુની આવક મળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૪૦ લાખની ટિકિટો રદ થઇ
- ઉતર ભારતની ટ્રેનોની કન્ફર્મ રિઝર્વેશન ટિકિટ્સ રદ કરાવવાની વિકટ સ્થિતિ


સુરત રેલવે સ્ટેશન પર છેલ્લા દસ દિવસમાં કુલ રૂ.૮ કરોડની આવક થઇ છે. તેમાં પ્રતિ દીન રૂ.૮૦ લાખથી રૂપિયા ૯૦ લાખ વચ્ચે આ આવક નોંધાઇ છે. જયારે વિતેલા દસ દિવસમાં રૂપિયા ૪૦ લાખની ટિકીટો રદ થઇ હોવાની વિગત જાણવા મળી છે. સુરત સ્ટેશન પર પોણો લાખ કરતા વધારે યાત્રીઓ તેમના મુકામ તરફ યાત્રા કરી રહ્યાં છે. એક અંદાજ પ્રમાણે છેલ્લા દસ દિવસમાં પાંચ લાખ કરતા વધારે યાત્રીઓ સુરત સ્ટેશન પરથી તેમના વતન ભણી વાટ પકડી છે.આ યાત્રીઓ થકી સુરત સ્ટેશન પર કુલ રૂ.૮ કરોડ કરતા વધારેની આવક નોંધાવા પામી છે. સામાન્યત દિવસોમાં આ આવક રૂ.૪૦ થી રૂ.પ૦ લાખ જેટલી હોય છે. આમ તા.૨પ ઓકટોબરથી તારીખ પમી નવેમ્બર સુધીમાં રૂપિયા ૮ કરોડની આવક રેલવેની તિજોરીમાં જમા થઇ છે.

દિવાળી ટાંકણે જે રેલ્વે ટિકીટોનું કેન્સલેશન નોંધાઇ રહ્યું છે. તેમાં ઉતર ભારત તરફ જતી ટ્રેનોની રેલવે ટિકીટો સૌથી વધારે હોવાની વિગતો જાણવા મળી છે. તેમાં પણ ઉતર ભારત તરફ જતી તાપ્તીગંગાની સૌથી વધારે ટિકીટો કેન્સલેશનમાં આવતી હોય છે. પ્રતિ દીન ૨૦૦૦ કરતા વધારે ટિકીટો કેન્સલેશન માટે આવી રહી છે.તેમાં સૌથી વધારે ટિકીટો તાપ્તીગંગાની નોંધાઇ રહી છે.

આ સંખ્યા પ૦૦ કરતા વધારેની છે. ઉલ્લેખનીય છે કે તાપ્તીગંગા એકસ્પ્રેસમાં ટિકીટ કન્ફર્મ હોવા છતાં લોકો તેમના કોચ પર ચડી શકતા નથી. દરમિયાન નાના બાળકો સાથે આવી ટ્રેનોમાં ચઢવાનું લગભગ અશકય થઇ જાય છે. હાલમાં તાપ્તીગંગા એકસ્પ્રેસમાં ૮૦ની ક્ષમતા ધરાવતા કોચમાં ૩પ૦ કરતા વધારે યાત્રીઓ મુસાફરી કરે છે. આ ઉપરાંત અવધ એકસ્પ્રેસ, મુઝફફરપુર એકસ્પ્રેસ, પૂરી એકસ્પ્રેસ જેવી ઉતર ભારતની ટ્રેનોમાં પણ યાત્રીઓ તેમના કોચ સુધી પહોંચી શકતા ન હોવાને કારણે વ્યાપક પ્રમાણમાં રેલવે ટિકીટો કેન્સલેશનમાં નોંધાઇ રહી છે.