• Gujarati News
  • 5.38 Crore Rupees Fine To 125 Plot Owner Of Saayan's Gayatri Nagar Society

સાયણની ગાયત્રીનગર સોસા. ખાલસા, 125 પ્લોટમાલિકોને 5.38 કરોડનો દંડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓલપાડમાં સાયણ ગામ ખાતે આદિવાસી જમીન પર બનેલી સોસાયટીને ખાલસા કરવા માટે ઓલપાડ પ્રાંત દ્વારા આદેશ અપાયો છે. અંદાજે તેર વર્ષ જૂના આ દિવાની કેસમાં રાજ્ય સરકારને જમીન પરત આપી દેવાનો ચુકાદો ઘોષિત કરવામાં આવ્યો હતો.

૧૯૯૯માં તત્કાલિન ડેપ્યુટી કલેક્ટરનાં ધ્યાનમાં આવતા આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેર વર્ષ બાદ ઓલપાડ પ્રાંત એચ.કે.વ્યાસ દ્વારા સ્થાનિક દબાણ દૂર કરવાના આદેશથી સાયણ ગાયત્રી નગર સોસાયટીનાં સ્થાનિક રહેવાસીઓ દોડતાં થઇ ગયા છે. સાયણ ખાતે આવેલી ગાયત્રી નગર સોસાયટીના કુલ ૧૨પ જેટલા પ્લોટ હોલ્ડરોને તથા મૂળ માલિકને રૂ.પ.૩૮ કરોડની પેનલ્ટી ફટકારવામાં આવી હતી.

આ કિસ્સામાં સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળેલી વિગત અનુસાર સાયણ ખાતે બ્લોક નંબર ૨૬૨ ખાતે આવેલી કુલ ૨પ૦૦ વાર જમીનના મૂળ માલિક તે રામજીભાઇ ભગાભાઇ રાઠોડ છે. આ જમીન તેમણે બિન આદિવાસી એવા વ્યકિતને વેચી મારી. નિયમો અન્વયે આ જમીનના વેચાણ પૂર્વે જિલ્લા કલેકટરની મંજૂરી ફરજિયાત લેવી પડે છે. અલબત્ત આ કિસ્સામાં આવી કોઇ મંજૂરી લેવાની તસદી લેવામાં આવી ન હતી. આ કિસ્સામાં પ્લોટીંગ કરીને ઓર્ગેનાઇઝરે આ સ્થળે ગાયત્રી સોસાયટી ઉભી કરી દીધી.

દરમિયાન આ મામલે ઓલપાડના તત્કાલિન ડેપ્યુટી કલેક્ટરને ફરિયાદ કરવામાં આવતા તેમણે કેસ દાખલ કર્યો હતો. ઓલપાડ પ્રાંત આ જમીનમાં પ્રવર્તમાન કબ્જો અને દબાણ દૂર કરવા માટે આદેશ આપ્યો છે.દરમિયાન આ જમીન ખરીદનાર ઓર્ગેનાઇઝર કાગળ પર ન હોવાને કારણે અહીંના સ્થાનિક રહેવાસીઓ આ વિવાદમાં સપડાયા છે. આ કિસ્સામાં ગાયત્રી નગરના સ્થાનિક રહેવાસીઓએ જિલ્લા કલેક્ટર કચેરીમાં અપીલ કરી હોવાની વિગત જાણવા મળી છે.

ડેપ્યુટી કલેક્ટર એચ.કે.વ્યાસે જણાવ્યુંકે તેઓ દ્વારા આ કિસ્સામાં દાખલો આપતો ચુકાદો અપાયો છે. જેથી ભવિષ્યમાં ૭૩-એએની જમીનને ખરીદી કર્યા બાદ કલેક્ટરની મંજૂરી ન લેવાની કોઇ હિંમત ન કરે. આદિવાસી જમીન પર ગેરકાયદે રીતે વેપલો કરનાર ઓર્ગેનાઇઝરો કે પછી તે ખરીદનાર વ્યકિતને આકરી કિંમત ચૂકવવી પડશે. તેથી આવી જમીન પર કોઇ પણ નિર્માણ કરતાં પેહલા લોકો ચેતે તે જરૂરી છે.