વીવર્સના ઘરે ૩૦ કિલો ચાંદીનાં વાસણ સહિ‌ત લાખોની ચોરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સચિન અને પાંડેસરામાં લુમ્સના કારખાના ચલાવતા અને અલથાણની સાઈ આશિષ સોસાયટીમાં બંગલા નં. બી/૧૧માં રહેતા કમલ સુરાના (મૂળ રાજસ્થાન)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, રવિવાર રાત્રે તેમનો પરિવાર બંગલાના બીજા અને ત્રીજા માળે સૂતેલો હતો.

દરમિયાન બંગલાની ગ્રીલ તોડીને કોઈ ચોર અંદર ઘૂસ્યો હતો. તેણે ગ્રાઉન્ડ ફ્લોર પર મૂકેલા રૂ. ૯.૧પ લાખની કિંમતના ૩૦.પ૦ કિલો ચાંદીનાં વાસણ, રૂ. ૪૦ હજારની કિંમતનો સોનાનો નેકલેસ, રૂ. ૩.પ૦ લાખની કિંમતના ૮.૪પ કેરેટ પોલિશ્ડ હીરા અને રોકડા રૂપિયા બે લાખ મળી કુલ રૂ. ૧પ.૦પ લાખની મતાની ચોરી કરી હતી. સવારે પરિવાર જાગ્યો ત્યારે તેમને આ ઘટના અંગે જાણ થઈ હતી. તેમણે તરત જ ખટોદરા પોલીસનો સંપર્ક કરતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં વધુ તપાસ પીઆઈ સી.કે. પટેલ કરી રહ્યા છે.

કોઈ જાણ ભેદુ જ હોવાની શંકા

ચોરે સારી રીતે ખબર હતી કે સુરાના પરિવાર દરરોજ બીજા અને ત્રીજા માળે જ સૂતો હોય છે. આથી આ ચોરે ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર પર જ ચોરી કરી હતી. ચોરી કરનારી વ્યક્તિ સુરાના પરિવારની ગતિવિધિઓની પરિચીત હોય તેવી પોલીસને શંકા છે.

રાત્રે ચોરી થઈ ત્યારે પોલીસ ક્યાં હતી?

ખટોદરા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ કરતી પોલીસની કામગીરી પ્રશ્ન ઉભો થયો છે. અલથાણમાં રાત્રે સાડા બારથી સવારે ૬ વાગ્યાના અરસામાં ચોરી થઈ હતી. ચોર ૩૦ કિલો વાસણો ગજવામાં નાખીને તો લઈ જઈ નહીં શકે. ચોરી કર્યા બાદ ચોર ઇસમો મેઇન રોડ પર આવ્યા જ હશે તો કોઈ એક જગ્યાએ પણ પોલીસે શકમંદ તરીકે કોઈને અટકાવ્યા નહીં?