સુરત જિલ્લામાં ૩ ડીવાયએસપીની જગ્યા ખાલી, કામગીરીને ગંભીર અસર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બારડોલી ડિવિઝન અને એસસીએસટી સેલના ડીવાયએસપી જાન્યુઆરી તો ૩૦મી એપ્રિલે -હેડક્વાટ્ર્સના અધિકારી પણ નિવૃત્ત થતાં જગ્યા ખાલી
- સમગ્ર સુરત જિલ્લામાં ચાર પૈકી ત્રણ નિવૃત્ત થતાં આખા સુરત જિલ્લાનો વહીવટ માત્ર એક ડીવાયએસપીના ભરોસે રહેતા ગુનાઓ ઉકેલવાની કાર્યવાહીમાં પડી રહેલી ઢીલ


સુરત જિલ્લા પોલીસમાં હાલમાં ત્રણ ડીવાયએસપી નિવૃત્ત થતા માત્ર જિલ્લામાં એક ડિવાયએસપી હોય પોલીસ વહીવટી પ્રક્રિયામાં અગવડ ઊભી થઈ રહી છે. પરિણામ સીધી અસર સુરત જિલ્લાના કાયદો અને વ્યવસ્થા પર પડી રહી છે.

આ અંગે મળતી માહિ‌તી અનુસાર સુરત જિલ્લામાં મંજૂર મહેકમ મુજબ ચાર ડીવાયએસપીની જગ્યા છે. જેમાં બે ડિવિઝન સુરત અને બારડોલીનો સમાવેશ થાય છે, જ્યારે એક હેડક્ર્વોટર ડિવાયએસપી અને એક એસટી એસસી સેલના ડીવાયએસપીનો સમાવેશ થાય છે. ગત જાન્યુઆરી મહિ‌નાના અંતમાં બારડોલી ડિવિઝનના ડીવાયએસપી અને એસટી એસસી સેલના ડીવાયએસપી નિવૃત્ત થયા હતાં.

જિલ્લામાં ચાર ડીવાયએસપીમાંથી માત્ર બે ડીવાયએસપી રહ્યાં હતાં. જેમાં સુરત અને કામરેજ ડિવિઝનનો ચાર્જ જગદીશ પટેલને આપવામાં આવ્યો હતો, જ્યારે એસટીએસસી સેલનો ચાર્જ કે. એમ. પોલરાને આપવામાં આવ્યો હતો.

હાલમાં જ ૩૦ એપ્રિલના રોજ હેડક્વાર્ટર્સ ડીવાયએસપી કે. એમ. પોલરા પણ નિવૃત્ત થઈ જતાં માત્ર એક જ ડીવાયએસપીથી જિલ્લા પોલીસનું ગાડુ ગબડી રહ્યું છે, જેને લઈ વહીવટી પ્રક્રિયામાં અનેક ગૂંચ ઊભી થઈ છે. તેની સીધી અસર પોલીસની કામગીરી ઉપર પડી રહી છે, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ખોરંભે પડી છે. ત્યારે રાજ્યનો ગૃહવિભાગ તાત્કાલિક આ ખાલી પડેલી બેઠકો તાકીદે ભરે એવી માગ થઈ રહી છે.

બારડોલી ડિવિઝનમાં કામગીરીને અસર

ડીવાયએસપીની જગ્યા ખાલી પડતાં સુરત જિલ્લામાં હાલ બારડોલી ડિવિઝનનો ચાર્જ કામરેજ ડીવાયએસપી પાસે, જ્યારે હેડક્વાટરના ડીવાયએસપીનો ચાર્જ એલઆઈબી પીઆઈ એમ. એમ. વસાવાને સોંપવામાં આવ્યો છે. એસટી એસસી સેલ અને હેડક્વાટરની પ્રક્રિયાથી ખાસ કોઈ વહીવટી પ્રક્રિયામાં અસર થતી નથી. પરંતુ બારડોલી ડિવિઝનની બેઠક ખાલી પડી હોય જેની સીધી અસર સમગ્ર જિલ્લાના પોલીસ વહીવટ ઉપર થઈ રહી છે.

૧૩ પોલીસ સ્ટેશનની કામગીરી કરવી અઘરી

સુરત જિલ્લામાં લૂંટ ચોરીના ગંભીર ગુનાઓ બની રહ્યાં છે. ઉપરાંત રાયોટીંગ, હત્યા અને એડીના ગુનાઓમાં ડીવાયએસપીનું વિઝિટેશન જરૂરી હોય છે. અને આવા ગુનામાં માત્ર એક જ ડીવાયએસપી હોય જિલ્લાના ૧૩ પોલીસ સ્ટેશનોમાં નજર રાખવી મુસ્કેલ પડી રહી છે. આ ઉપરાંત જિલ્લામાં હાલ પ્રોબીશન પિરિયડ પુરો કરેલા પીએસઆઈઓ પણ પોલીસ સ્ટેશન ચલાવી રહ્યાં છે. આવા પીએસઆઈઓને વહીવટી પ્રક્રિયામાં અને વહીવટનું પુરતું જ્ઞાન ન હોય તેને સુપરવીઝન અને માર્ગદર્શનની જરૂરી પડે છે. ત્યારે એક જ અધિકારી જિલ્લામાં હોય તેની ખોટ સીધી નજરે પડી રહી છે.

સ્થાનિક અધિકારી માત્ર વિનંતી કરી શકે

ડીવાયએસપીની બદલીનો હુકમ સીધો ગૃહ વિભાગ પાસે હોય છે. જેને લઈ જિલ્લા પોલીસવડા અને રેંજના અધિકારી આ બાબતે સીધો હસ્તક્ષેપ કરી શકતા નથી. માત્ર પોલીસવડા કે રેંજના અધિકારી ડી. જી. મારફતે ગૃહ વિભાગને આ બાબતે વિનંતી કરી તાકીદે જગ્યા પુરવા રજૂઆત કરી શકે, એવું જાણવા મળ્યું છે. ત્યારે સુરત જિલ્લાના ૧૩ પોલીસ સ્ટેશનોમાં પોલીસની કામગીરી કેવી રહેશે, તે તો આવનારો સમય જ બતાવશે.