દેશભરમાં કરોડોમાં ફૂલેકું ફેરવનાર માથે ફક્ત ૨પ હજારનું ઇનામ!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એનમાર્ટ સુપર સ્ટોર્સના ગોપાલ શેખાવત સામે દેશભરમાં ચેઇન રિટેઇલ સ્ટોર ખોલી કરોડોની છેતરપિંડીનો આરોપ
- આંધ્ર હાઇકોર્ટે નીચલી અદાલતોના જામીન નામંજૂર કરતા આંધ્ર પોલીસે બાતમી આપનારને ઇનામની જાહેરાત કરી
- માત્ર ૪ જ વર્ષમાં ૨૦ લાખ લોકોને ડબલ ડિસ્કાઉન્ટ સ્કીમ હેઠળ છેતરી ૧૪૦૦ કરોડ ગજવે ઘાલી છૂ થઈ ગયો છે


સુરતની એન માર્ટ કંપનીના ભાગેડુ કરોડપતિ માલિક ગોપાલ શેખાવતની બાતમી આપનારને રૂપિયા ૨પ હજારનું ઇનામ આપવાની જાહેરાત આંધ્ર પ્રદેશ પોલીસે કરી છે. સુરતથી શરૂઆત કરી દેશભરમાં એન માર્ટના નામે સ્ટોર ખોલી ચાર વર્ષમાં ડબલ ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાતો કરી અંદાજે ૨૦ લાખથી વધુ લોકો પાસેથી ૧૪૦૦ કરોડ રૂપિયા વસુલનારા ગોપાલ શેખાવત સામે આંધ્ર પ્રદેશમાં છેંતરપીંડીનો કેસ દાખલ થયો હતો. આંધ્ર પોલીસે ગોપાલ શેખાવતની સુરતથી ધરપકડ કરી હતી. લાખો લોકોના મહેનતના રૂપિયા ચાંઉ કરી ગયેલો ગોપાલ શેખાવત હાલ ભાગેડુ છે. તેના વિશે દેશના કોઈપણ ખૂણે માહિ‌તી મળે તો તેને કોઈપણ પોલીસ એરેસ્ટ કરી શકે છે.

એન માર્ટના સીએમડી ગોપાલ શેખાવતે સુરતમાં એન માર્ટની શરૂઆત કરી હતી. તેણે એવી સ્કીમ મૂકી હતી કે, જો તમે એન માર્ટમાં રૂ. પ,પ૦૦નું રોકાણ કરો તો તમને રૂ. ૨૨૦ના મૂલ્યની ૪૮ કૂપન આપવામાં આવશે. તમે દર મહિ‌ને આ એક કૂપનનો ઉપયોગ કરીને એન માર્ટ સ્ટોરમાંથી રૂ. ૨૨૦નું ડિસ્કાઉન્ટ મેળવી શકશો. તેવી રીતે ૪૮ મહિ‌નામાં એક એક કૂપનનો ઉપયોગ કરીને કુલ ૧૦,પ૬૦ની રકમ મળશે.

આવી સ્કીમ આપીને ગોપાલ શેખાવતે ગુજરાત, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યના સુરત, ભોપાલ, જબલપુર, દમોહ, નરસિંહપુર, વિશાખાપટ્ટનમ, ઔરંગાબાદ, કોલ્હાપુર, લાતુર, પૂણે ઓસ્માનાબાદ સહિ‌ત ઘણા શહેર તથા તાલુકાઓમાં એન માર્ટના સ્ટોર ખોલ્યા હતા. શેખાવતે પોતાની ઓળખ રાજકારણીઓ સાથે હોવાની પણ વાત બજારમાં મૂકી હતી. તેના મોટાભાગના સ્ટોર બંધ છે અને લોકો સ્ટોર પર જાય છે ત્યારે હાલ માલ આવતો નથી, એવી વાત કરી ગ્રાહકોને પરત મોકલી આપવામાં આવે છે.

ગ્રાહકો વધારે પૃચ્છા કરે તો તેમને કહેવામાં આવે છે કે, આંધ્રપ્રદેશમાં ચાલી રહેલી કાયદાકીય લડાઈના કારણે માલ આવતો નથી. જેના કારણે સ્ટોરમાં માલ નથી. ગોપાલ શેખાવત સામે આંધ્રપ્રદેશ પોલીસે સૌથી પહેલા ભીંસ વધારી હતી. તેની સામે ગુનો દાખલ કરી સુરતથી ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ દિવસના શરતી જામીન બાદ તેને આંધ્રપ્રદેશની ડિસ્ટ્રિકટ કોર્ટમાં હાજર થવા હુકમ કરવામાં આવ્યો તો તે હાજર થયો ન હતો.

ત્યારબાદ તેણે કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા. ડિસ્ટ્રિક્ટ કોર્ટના આ હુકમ સામે આંધ્રપ્રદેશ પોલીસે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જેમાં બે મહિ‌ના પહેલા હાઇકોર્ટે શેખાવતને જામીન આપતા ડિસ્ટ્રિક્ટ કોર્ટના હુકમને રદ કર્યો હતો. હવે ગોપાલ શેખાવતની ધરપકડ માટે પોલીસનો માર્ગ મોકળો છે પણ શેખાવત દેશમાં ઠેર ઠેર ભટકી રહ્યો હોવાની પોલીસને આશંકા છે.

વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...