તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

૨૦ હજારનું બોનસ લઇ ઘરે જતાં ચાલુ રીક્ષામાં જ પાકીટની તફડંચી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બોનસ ગુમાવી બેસતાં હોસ્પિટલ કર્મચારીની દિવાળી બગડી
- મજુરાથી નવાગામ જતો હતો પણ ઉધના પાસે જ રીક્ષાવાળાએ ઉતારી દેતાં શંકા ગઇ પણ એટલીવારમાં રીક્ષા ચાલક ફરાર


મજૂરાગેટ કૈલાસનગર પાસેની એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતો એક યુવાન પોતાનું અને ભાઈનું બોનસ લઈને ઘરે જતો હતો ત્યારે રિક્ષા પેસેન્જરના સ્વાંગમાં મળેલી ચોર ટોળકીએ રૂ. ૧૯,૯૦૦ ભરેલું પાકીટ ચોરી લીધું હતું. ઉધના દરવાજાથી રિક્ષામાં બેઠેલા આ યુવાનને ધ્રુવ ઓટો મોબાઇલ પાસે એકાએક જ ઉતારી દેવાતા તેને શંકા ગઈ હતી. યુવાન પાકીટ ચેક કરે તેટલા સમયમાં તો ચાલક પૂરઝડપે રિક્ષા હંકારી ભાગી છૂટયો હતો.

ઉધના પોલીસના જણાવ્યા અનુસાર, સગરામપુરામાં આવેલા કૈલાસ એપાર્ટમેન્ટમાં રહેતો રાજુ ઉર્ફે રાજકુમાર ઉપન્દ્ર ઝા સગરામપુરાની એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. આ યુવાનને તા. ૧લીના રોજ હોસ્પિટલ તરફથી બોનસ આપવામાં આવ્યું હતું. તેનો ભાઈ પણ આ જ હોસ્પિટલમાં ફરજ બજાવતો હોઈ તેનું પણ બોનસ લઈને તે નવાગામ તરફ રહેતા ભાઈને બોનસ આપવા માટે હોસ્પિટલેથી નીકળ્યો હતો.

રાજુ ઉધના દરવાજાથી જીજે-પ-વીવી-૮૯૬૦ નંબરની રિક્ષામાં બેઠો હતો. રિક્ષા થોડી આગળ વધી એટલે વધુ એક પેસેન્જર રિક્ષામાં આવીને બેઠો હતો. ખટોદરા ઓવરબ્રિજ ક્રોસ કરી રિક્ષા ધ્રુવ મોટર્સ સુધી આવી ત્યારે ચાલકે એકાએક રિક્ષા ઉભી રાખી અને કહી દીધું કે, તમે ઉતરી જાઓ મારે આગળ જવું નથી. રાજુએ તેને ખખડાવીને વાત કરી અને રિક્ષામાંથી ઉતરી ગયો હતો. આ યુવાન પાસે ચાલકે ભાડું પણ માગ્યું ન હતું.

રાજુને શંકા જતાં તેણે પાકીટ ચેક કરવાનો પ્રયત્ન કર્યો તેટલા સમયમાં તો રિક્ષાવાળો ભાગી છૂટયો હતો. રાજુ બૂમો પાડતો રિક્ષાની પાછળ પણ દોડયો પરંતુ તે ઉભો રહ્યો ન હતો. બનાવ અંગે રાજુએ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે રિક્ષાચાલક સહિ‌ત ત્રણ અજાણ્યા ઇસમો સામે ચોરીનો ગુનો નોંધ્યો હતો. વધુ તપાસ પીએસઆઈ વી. આર. ડાંગર કરી રહ્યા છે.