રાહદારીઓ પર ઉલટી કરાવી ચોરી કરતી બે મહિ‌લા ઝડપાઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બાળકો મારફત મેલું નંખાવી રૂપિયા ભરેલી બેગ લઈ રફૂચક્કર થઈ જતી

તમારા કપડા પર મેલું પડ્યું છે, હું કપડા સાફ કરવામાં મદદ કરી આપું છું કહી હજારો રૂપિયાની ચોરી કરનારી એક ગેંગને એસઓજીએ ઝડપી પાડી છે. આ ગેંગમાં એક ૧૦ વર્ષનો ટાબરિયો ૧૭ વર્ષનો કિશોર અને આ બંનેની માતા છે. પકડાયેલી આ બંને મહિ‌લાઓએ પુત્રોને મહેનત કરીને જીવન જીવવાની નહીં પણ કેવી રીતે ચોરી કરી ઐયાશી કરાય તેની ટ્રેનિંગ આપી છે.

એસઓજીના જણાવ્યા અનુસાર, વરાછામાં પોદ્દાર આર્કેટ પાસે સરસ્વતી આર. મોઘમ ઉર્ફે મૃતુ નાયડુ તેના ૧૦ વર્ષના દીકરા તથા મહેશ્વરની સુબ્રમણ્યમ નાયડુ તેના ૧૭ વર્ષના દીકરા સાથે ચોરી કરવાના આશયથી ફરી રહી છે, એવી બાતમી હેડ કોન્સ્ટેબલ સંજય અને કોન્સ્ટેબલ સહદેવને મળી હતી. ઇન્ચાર્જ પીઆઈ ડી. જી. ચૌધરીની સૂચનાથી એસઓજીએ વોચ ગોઠવી બંને મહિ‌લાઓને તેમના બાળકો સાથે પકડી પાડ્યા હતા.

પૂછપરછ કરાતાં મૂળ આંધપ્રદેશની એવી આ બે મહિ‌લાઓએ ચોરી કરવાની જે મોડસ ઓપરેન્ડી બતાવી જે જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ટોળકી અંકલેશ્વરના યોગેશ્વરનગરથી ચોરી કરવા માટે સુરત આવતી હતી. હાલ તો તેઓ વરાછાની રૂ. ૩૦ હજારની એક જ ચોરી કબૂલી રહી છે પણ તેમની યોગ્ય પૂછપરછમાં મેલું નાખીને ચોરી કરવાની ઘણી ઘટનાઓનો ભેદ ઉકેલાય એમ છે. પકડાયેલા ચારેયને એસઓજીએ વરાછા પોલીસને સોંપ્યા હતા.

- ફેમીલી ગેંગની મોડસ ઓપરેન્ડી

- સરસ્વતી તેના ૧૦ વર્ષના પુત્ર ટોની (આરોપી સગીર હોઈ નામ બદલ્યું છે)ને બિસ્કિટ ચાવવા માટે આપે છે. આ બાળક બિસ્કિટ ગળતો નથી અને પછી થોડું પાણીમાં મોઢામાં લઈ કોઈ રાહદારી પર બિસ્કિટના કોગળા કરી દે છે. આ સમયનો લાભ લઈ સરસ્વતી રાહદારીની મદદ બહાને તેની કિંમતી ચીજવસ્તુ ચોરી કરે છે.

- બે બાળકો સહિ‌તની આ નાયડુ ગેંગ પોતાની પાસે એક ખંજવાળ માટેનું કવચ રાખતા હતા. ટ્રાફિક સિગ્નલ પાસે આ કવચ કોઈ બાઇચાલકના હાથને સ્પર્શ કરાવી દેતા. જેના કારણે ચાલક પોતાનું વાહન રોડની એકસાઇડ પર લઈ લે અને તેની કિંમતી વસ્તુ જેવી કે બેગ અથવા અન્ય કોઈ વસ્તુ પરથી ધ્યાન ખસે એટલે નાયડુ ગેંગ ચોરી કરી લેતી.