સ્મીમેરમાં વધુ ૧૮૦ બેડની સુવિધા વધારવા માટે ગ્રીન સિગ્નલ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સ્થાયી સમિતિએ બ્રેક છોડી
- ૧૮૦ બેડની સુવિધા વધારવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ૧૩.૮૧ કરોડ રૂપિયા ખર્ચવાનો અંદાજ મૂકાયો
પાલિકાના ભાજપ શાસકોએ છેવટે સ્મીમેરમાં ૭પ૦ બેડની હાલની સુવિધામાં ૧૮૦ બેડ વધારવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી પહેલાં આ અંગેની દરખાસ્ત ઉપર સ્થાયી સમિતિએ બ્રેક મારી હતી. વહીવટીતંત્ર પાસે હાલમાં હોસ્પિટલનું આર્થિ‌ક ભારણ અને વિસ્તૃતિકરણ પછી શું સ્થિતિ થઈ શકે તેનો રિપોર્ટ મગાવાયો હતો.
ત્રણ મહિ‌ના પછી શુક્રવારે સ્થાયી સમિતિમાં આ રિપોર્ટ રજૂ કરાયો હતો. રિપોર્ટમાં હાલ સ્મીમેરમાં ૭પ૦ બેડની હોસ્પિટલ પાછળ વર્ષે ૨૬ કરોડના ગાંઠના ગોપીચંદન કરવા પડે છે. ૧૮૦ બેડ વધારવા માટે વધુ ૧૩.૮૧ કરોડ રૂપિયા ખર્ચવા પડશે, તેવું દર્શાવાયું હતું. જોકે, 'સુરતના સામાન્ય લોકોને માટે આરોગ્યની સુવિધા વધારવા માટે આ ખર્ચ વેઠવા ભાજપ શાસકો તૈયાર છે...’તેવું રૂપાળું કારણ આગળ દર્શાવીને છેવટે શુક્રવારે સ્થાયી સમિતિમાં ૧૮૦ બેડની સુવિધા વધારવા માટે ગ્રીન સિગ્નલ અપાયું હતું.
પાલિકાના વર્તુળોનું કહેવું છે કે, સ્મીમેરમાં એનએબીએચ(નેશનલ એક્રિડિટેશન ર્બોડ ફોર હોસ્પિટલ્સ) નું સર્ટિ‌ફિકેશન મેળવવા માટે તેના ધારાધોરણો પ્રમાણે ઘટતી સુવિધા અને હાલની સુવિધામાં સુધારો કરવો જરૂરી છે. એટલે, તે માટે હોસ્પિટલનું એક્પાન્સન કરવા માટે આ નિર્ણય લેવાયો છે. પાણીની જેમ રૂપિયા રેડાશે. જોકે, દર્દીઓની સાથે હમણાં કરાતું તોછડું વર્તન બદલાશે કે કેમ તે અગત્યનું હશે.
- સ્મીમેરમાં કઈ સગવડ છે
સ્મીમેરમાં હાલ મેડિસિન, પિડિયાટ્રિક, ડર્મેટોલોજી, ફિઝિયાટ્રી, પલ્મોનરી મેડિસિન, સર્જરી, ઓર્થોપેડિક, આંખ-નાક-કાન-ગળા, ઓપ્થેલ્મોલોજી, ડેન્ટિસ્ટ્રી, સ્ત્રીરોગ, પ્રસૂતિ, રસીકરણ, ચેપી રોગની સારવાર, એચઆઈવી સહિ‌તના જાતિય રોગની સારવાર, બ્લડ બેંક, પેથોલોજી લેબોરેટરી, રેડિયોલોજી-સિટી સ્કેન, બાયોકેમેસ્ટ્રી અને માઇક્રોબાયોલોજી, ફિઝિયોથેરાપી, ઓડિયોમેટ્રી જેવા વિભાગોમાં સારવારની સગવડ છે.
- નવી બિલ્ડિંગમાં શું?
સ્મીમેરની બાજુમાં ૧લાખ ચોરસમીટર (૨પ એકર) જમીન ઉપર ૧૮૦ બેડની સુવિધા ઊભી કરાશે. તેમાં જુદા જુદા છ વોર્ડ હશે. ચામડીના રોગોનો વિભાગ, મેડિસિન વિભાગ, ઇમરજન્સી અને એપેડેમિક વિભાગ, પોસ્ટર્મોટમ વિભાગ, એક્ઝામિનેશન વિભાગ અને લેબર વિભાગ હશે. તમામમાં ૩૦ બેડ પ્રમાણે કુલ ૧૮૦ બેડની સુવિધા ઊભી કરાશે.
- આ સુધારા પણ કરાશે
એનએબીએચના ધારાધોરણોમાં મુખ્ય બે બાબત છે. તેમાં દર્દી‍ઓની સેવાને આધારિત પાંચ ધારાધોરણો જાળવવા અને સંસ્થાકીય ધારાધોરણો જાળવવાના રહે છે. એટલે, ૧૮૦ બેડની નવી હોસ્પિટલની સાથે દર્દી‍ની ઉત્તમ સેવા માટે સારવારની ચોક્કસ મોનિટરિંગ સિસ્ટમ, દર્દી‍ની કાળજી રાખવાની સિસ્ટમ, દવા-સારવારની વ્યવસ્થા, દર્દી‍ના હક્ક આપીને તેમને જાગૃતી માટેની વ્યવસ્થા અને હોસ્પિટલને ચેપમુક્ત પણ રખાશે. તદુપરાંત હોસ્પિટલની ક્વોલિટી સુધારવા મોનિટરિંગ સિસ્ટમ બનાવાશે, મેનેજમેન્ટની વ્યવસ્થા અને જવાબદારી નક્કી કરાશે.