ગોપાલક ડેરીના સંચાલકોનું ૧૩૦ કરોડનું કૌભાંડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગોપાલક ડેરીના સંચાલકોનું ૧૩૦ કરોડનું કૌભાંડ
- વલસાડમાં ઓફીસ ધરાવનાર જયસુખ અઘેરા રાજ્યભરમાં ફુલેકૂ ફેરવીને ફેબ્રુઆરીથી ગાયબ

ડેરીઉદ્યોગ અને પશુપાલન ક્ષેત્રે ક્રાંતિ કરવાની વાતો કરીને વલસાડના એક ડેરી સંચાલકોએ ફ્રેન્ચાઇઝી આપવાના નામે લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવીને કરોડો રૂપિયા ભેગા કરીને ફરાર થઈ જવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.ડેરીના માલિકોએ શરૂઆતમાં નાની રકમની યોજના મુકીને એવો જબરદસ્ત વિશ્વાસ સંપાદન કર્યો હતો કે આજ લોકોએ પછી લાખો રૂપિયાની યોજનામાં જોડાવા લાઇન લગાવી હતી.સંચાલકોએ એવા સપના બતાવ્યા હતા કે લોકોએ હવામાં કિલ્લાં બાંધવાનું શરૂ કરી દીધું હતું.

આશ્ચર્યની વાત એ હતી કે કોઇ પણ સંજોગામાં શકય ન બને એવી દીવા જેવી ચોખ્ખી યોજના હોવા છતા રાતોરાત લખપતિ થવાના જોમમાં અભણ લોકો તો ભેરવાયા જ છે પણ ડોકટર, સી.એ. પોલીસ, સરકારી ઉચ્ચ અધિકારીઓ, બિઝનેસમેન , એડવોકેટ જેવા બુધ્ધિશાળી લોકો પણ ડેરી સંચાલકના કૌભાંડમાં ભેરવાયા છે.લોકોના હવાઇ કિલ્લા ચકનાચુર થઈ ગયા છે, કારણકે સંચાલકો બે મહિ‌નાથી ફરાર થઈ ગયા છે.લેણદારો પાસેથી મળેલી માહિ‌તી મુજબ ગુજરાતમાં ૧૪૦૦ જેટલા ફ્રેન્ચાઇસી પાસેથી ૧૩૦ કરોડની રકમ ભેગી કરવામાં આવી હતી, જેમાંથી સુરતમાં જ ૪૮૦ જેટલા લોકોએ ફ્રેન્ચાઇસી મેળવી હતી.

મુળ રાજકોટના ઝાંઝમેરમાં આવેલી મોટી વાવડીના વતની જયસુખ મોહન અઘેરાએ વર્ષ ૨૦૧૦માં વલસાડમાં તિથલ રોડ પર કલ્પૃક્ષ બિલ્ડીંગમા એકિઝસ્ટન્સ માર્કેટીંગ પ્રા. લિ. નામે કંપની શરૂ કરી હતી.મલ્ટી લેવલ માર્કેટીંગ સીસ્ટમથી ગોપાલક બ્રાન્ડના નામે ધંધો શરૂ કર્યો હતો. કંપનીના સંચાલકોમાં જયસુખ ઉપરાંત તેની પત્ની નીતા, પુત્રીઓ મહેક અને આસ્થા તથા જમાઇ રવિ મનવર અને વેવાઈ દિલીપ મનવરના નામ હતા.લોકો ફ્રેન્ચાઇસી મેમ્બર બનવા માટે રીતસરનો ધસારો કરતા હતા, આજે એવી હાલત છે કે ડિપોઝીટના રૂપિયા મેળવવા લેણદારો રાત દિવસ જયસુખને શોધવા લાગી ગયા છે.

લોકો કેવી રીતે સલવાયા જયસુખે એવુ કર્યુ હતું કે જે લોકો પાંચ ફ્રેન્ચાઇસી લાવે તેને એક કાર ભેટ આપી દેવામાં આવતી હતી.જેની પાસે સ્કુટરના ઠેકાણાં નહોતા એવા લોકો કારમાં ફરતા થઈ જતા અનેક લોકોની આંખો પહોળી થઈ જતી હતી કે આ માણસ કાર ક્યાંથી ફેરવતો થઈ ગયો? બસ દેખાદેખીમાં રૂપિયા આવતા થઈ ગયા.બીજુ કે જયારે મિટીંગ મળતી ત્યારે જયસુખ એવી ઇમોશનલ વાતો કરતો કે લોકો તેની વાકછટાથી પ્રભાવિત થઈ જતા હતા.તે કહેતો કે ગાય આપણી માતા છે છતા ગાયો રેઢિયાળ રખડે છે આપણે તેનું પાલન પોષણ કરવાનું છે.

જે દિકરીઓના મા-બાપ નથી તેમના બાપ બનવાની જવાબદારી લેવાની છે.ગામોમાં પશુ શાળા બનાવીને ખેડુતોને મદદ કરવાની છે. યુવોનાને રોજગારી આપવાની છે. ડેરીઉદ્યોગમાં ક્રાંતિ લાવવાની છે.જયસુખ પોતાની જાતને કૃષ્ણ ભગવાન તરીકે ગણતો.લોકો એટલા ઇમોશનલ થઈ જતા હતા કે એમ માનીને રૂપિયા નાંખતા હતા કે ભલે કરોડ રૂપિયા ન મળે મૂડી પાછી આવે તો બહુ છે ગાય માતાની સેવાના સહભાગી તો બનીશું.