મોટીવાલઝર ગામે જમીનના વિવાદમાં યુવાનની હત્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુટુંબીજનોએ જ ચોકડી પર ઘેરી લઈ ઝઘડો કર્યો અને યુવકને છાતીના ભાગે ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી દીધા

વાંસદા: મોટીવાલઝર ગામે વિવાદવાળી જમીનમાં ઘાસ કાપીને પરત ઘરે ફરતા યુવાનને તેમના કુટુંબીઓએ ત્રણ રસ્તા પર ઘેરી લઈ ઝઘડો કર્યા બાદ આવેશમાં આવીને યુવાનના છાંતીના ભાગે ચપ્પુ હુલાવી હત્યા કરી નાંખવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મોટીવાલઝર ગામે જામન ફળિયા ખાતે રહેતા 22 વર્ષીય યુવાન કમલેશભાઈ ગમનભાઈ ધો. પટેલ અને તેનો મોટોભાઈ ગણેશભાઈ ગમનભાઈ ધો.પટેલ તેમના કુટુંબી સાથે ચાલતી વાદવિવાદવાળી જમીનમાં ઘાસ કાપવા ગયા હતા.

ઘાસ કાપીને બંને ભાઈઓ સાંજે પાંચેક વાગ્યાના અરસામાં ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન મોટીવાલઝર ગામના ત્રણ રસ્તા ઉપર ઉપરોક્ત બંને ભાઈઓને તેમના જ કુટુંબના ધનસુખભાઈ પીડીયાભાઈ ધો.પટેલ, કમળાબેન ધનસુખભાઈ ધો.પટેલ, અમ્રતભાઈ પીડીયાભાઈ ધો.પટેલ અને નીરૂબેન અમ્રતભાઈ ધો.પટેલ વગેરેએ ઘેરી લઈ વિવાદવાળી જમીનનો કેસ અમદાવાદ ખાતે ચાલે છે તો એ જમીનમાંથી કેમ ઘાસ કાપીને લાવ્યા એમ જણાવી કમલેશ પટેલ અને ગણેશ પટેલ સાથે ઝઘડો કર્યો હતો.

આ ઝઘડો વણસી જતા આવેશમાં આવેલા ધનસુખભાઈ પીડીયાભાઈ ધો. પટેલ સાથે લાવેલા છરાથી કમલેશ પટેલના છાતીના ભાગે હુમલો કરી દેતા ગંભીર રીતે ઘવાયેલા કમલેશ પટેલને લોહી નીકળવા લાગ્યું હતું અને તે જગ્યા ઉપર જ ઢળી પડતા સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સ બોલાવી વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા પીએસઆઈ વસાવા સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી જઈ આ હત્યામાં સંડોવાયેલા ધનસુખભાઈ, કમળાબેન, અમ્રતભાઈ અને નીરૂબેનની ધરપકડ કરી મરનાર કમલેશના મોટાભાઈ ગણેશ પટેલની ફરિયાદના આધારે ચારેય વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચારેની ધરપકડ
વાંસદા તાલુકાના મોટીવાલઝર ગામે જમીન વિવાદમાં યુવાનની હત્યાની જાણ થતાની સાથે જ પીઆઈ એસ.એમ.વસાવા સહિત પોલીસ સ્ટાફે ગણતરીના સમયમાં જ ચારેય આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.