ચીખલી કોલેજ પાસે અકસ્માતમાં બાઇક સવાર બે યુવાનના મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીખલી કોલેજ પાસે ડમ્પર અને બાઈક વચ્ચે સર્જા‍યેલા અકસ્માતમાં બાઈક પર સવાર બેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ શનિવારે સવારે સાડા અગિયારેક વાગ્યાના અરસામાં ચીખલી-વાંસદા માર્ગ પર કોલેજ નજીકના ત્રણ રસ્તા પાસે વાંસદા તરફથી આવી રહેલા ડમ્પર (ટ્રક) (નં. જીજે-૧પ-એક્સએકસ-૪૪૬૮) અને હાઈવે તરફથી આવી રહેલી હીરોહોન્ડા પેશન બાઈક (જીજે-૧પ-કેકે-૮૩૭૮) વચ્ચે સર્જા‍યેલા અકસ્માતમાં બાઈક પર સવાર આદિકોન બેવરા (ઉ.વ. ૨૩, હાલ રહે. અંભેટા, મૂળ ઓરિસ્સા) તથા સંતોષ પાંડુરગ ટુપે (ઉ.વ. ૩૩, રહે. મુંબઈ)ને ગંભીર ઈજા થતા બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. મરનાર ઓરિસ્સાવાસી યુવાન ચીખલી નજીકના અંભેટા સ્થિત સોમા કંપનીમાં ફરજ બજાવતો હતો. જ્યારે સંતોષ ટુપે મુંબઈથી સોમા કંપનીમાં વિઝિટે આવ્યો હતો. તે દરમિયાન ઉપરોક્ત બંને કોઈ કામ અર્થે બાઈક પર ડબલસવારી ચીખલી કોલેજ તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન ડમ્પર સાથે અકસ્માત સર્જા‍યો હતો.

આ અંગે કિરણ ગોકુળ પાટીલ (હાલ રહે. સોમા કંપની, અંભેટા, મૂળ કોસંબા, સાગરનગર, તરસાડી, તા. માંગરોળ, જિ. સુરત)એ ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પરના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી પીએમ સહિ‌તની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.