બારતાડની જર્જરિત પાણીની ટાંકીને કારણે મુશ્કેલી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાખોના ખર્ચે બનાવેલી ટાંકી બિનઉપયોગી બની, સરપંચ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી
ઉનાઈ નજીક આવેલા બારતાડ (ઉ) ગામે ૨૦૦૧-૦૨માં લાખોના ખર્ચે બનાવેલી પાણીની ટાંકી જર્જરિત હાલતમાં છે. ટાંકીની બાજુમાં મોટર મુકી ડાયરેકટ પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ મીટર મુકવાનું હજુ બાકી હોવાથી પાણી માટે હજુ ગ્રામજનોને રાહ જોવી પડે છે.
વાંસદા તાલુકાના ઉનાઈ નજીક આવેલા બારતાડ ગામે ૨૦૦૧-૦૨ વર્ષમાં પીસી-૩ કાર્યક્રમ બારતાડ-ઉનાઈ પાણી પુરવઠા યોજના અંતર્ગત ૧પ,૬પ,૦૦૦ના ખર્ચે ગુજરાત પાણી પુરવઠા અને ગુ.વ્ય.બોર્ડ નવસારી દ્વારા બારતાડ ગામે પાણીની ટાંકી બનાવવામાં આવી હતી, જેમાં પાણી ગ્રામજનોને મળી શક્યું નથી. તેની પાઈપલાઈન બે વર્ષમાં જ ઠેર ઠેર તૂટી ગઈ હતી. આ ટાંકીનું પાણી બારતાડ (ઉ) ગામના ઝાડી ફળિયા, કુંભાર ફળિયા, પટેલ ફળિયા, ડેરી ફળિયામાં પાણી પહોંચાડવાનું હતું પરંતુ યોગ્ય રીતે પહોંચી શક્યું ન હતું.
સરપંચ કમલેશ ગામીત દ્વારા રજૂઆત કરાતા ફળિયાદીઠ પાણીની ટાંકી મુકવાની યોજના અમલમાં આવી છે પરંતુ પટેલ ફળિયામાં અને ઝાડી ફળિયામાં મોટર મુકવામાં આવી છે ત્યાં હજુ પણ મીટર મુકવાનું બાકી છે, જેથી ગ્રામજનોને રાહ જોવાનો વારો આવ્યો છે. જ્યારે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ડેરી ફળિયામાં જર્જરિત ટાંકીની બાજુમાં જ મોટરની વ્યવસ્થા થઈ છે પણ ટાંકીના અભાવે લોકોને મોટર ચાલુ રહેશે ત્યાં સુધી જ પાણી મળશે. જેના કારણે તેઓને વીજળી ઉપર નિર્ભર રહેવું પડશે. અહીં પણ વિદ્યુત બોર્ડના મીટર મુકાયા નથી ત્યારે પાણી પુરવઠા દ્વારા જરૂરી પગલાં લઈ બારતાડ(ઉ)ના લોકોને ઉનાળામાં પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી સમયની માગ વર્તાઈ રહી છે.
ફળિયાદીઠ પાણીની ટાંકી મુકવામાં આવી છે
બારતાડ ગામમાં ૨૦૦૧-૦૨માં બનાવેલી ટાંકીના કુવામાં પાણી ન હતું. પાઈપલાઈન બરાબર બનાવાઇ ન હતી, જેના કારણે પાણી ગામમાં પહોંચાડી શકાયું ન હતું. હવે ફળિયા દીઠ પાણીની ટાંકી મુકવામાં આવી છે. જેમાં પટેલ ફળિયા અને ઝાડી ફળિયામાં ટાંકી છે પણ વીજમીટર મુકવાનું બાકી છે. જેનો ટેસ્ટ રિપોર્ટ ભરાઈ ગયો છે અને ટૂંકમાં વીજમીટર મુકાઈ જશે.ત્યારબાદ પાણી આપવાનું શરૂ કરવામાં આવશે.’
કમલેશ ગામીત, બારતાડ (ઉ) સરપંચ