અંતે કાર્યવાહી શરૂ: મનરેગા ઉચાપત પ્રકરણમાં ત્રણની ધરપકડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એક વર્ષના લાંબા સમય બાદ ફોજદારી ગુનો દાખલ કરાયો હતો

ડાંગની પીપલદહાડ ગ્રુપ ગ્રામપંચાયતમાં થયેલી લાખોની ઉચાપતમાં ભાગતા ફરતા આરોપી કર્મચારીઓ પૈકી ત્રણની સોમવારે આહવા પોલીસે અટક કરી રિમાન્ડની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે આ આરોપીઓના આગોતરા જામીન હાઈકોર્ટે નામંજૂર કર્યા છે.

પીપલદહાડ ગ્રુપ ગ્રામપંચાયતના જે તે સમયમાં સરપંચ, હિ‌સાબનીશ અને તલાટીએ મળી ખોટા માપ અને બીલ રજૂ કરી માત્ર કાગળ પર જ કામો બતાવી લાખોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. પીપલદહાડ ગ્રુપ ગ્રામપંચાયતમાં રૂ. ૧૨,૨૮,૭૦૦ની ઉચાપત કરવામાં આવી હતી. જેમાં ભાગતા ફરતા આહવા તાલુકા પંચાયતના આરોપી કર્મચારીઓ પૈકી દિલાવર સુલતાન સોલંકી (હિ‌સાબનીશ), નગીન પ્રેમા ટંડેલ (હિ‌સાબનીશ) અને માધવરાવ બારક્યા ગાયકવાડ (તલાટી કમ મંત્રી) આ ત્રણે આરોપીઓની સોમવારે આહવા પોલીસે સરકારી નાણાંની ઉચાપત અંતર્ગત ધરપકડ કરી રિમાન્ડની માગ કરી છે.

આશરે એક વર્ષ અગાઉ ડાંગની ત્રણ ગ્રામપંચાયતો કેશબંધ, શિંગાણા અને પીપલદહાડ ગ્રુપ ગ્રામપંચાયતોમાં લાખોની ઉચાપતનો મામલો સામે આવ્યો હતો, જેની અખબારોમાં ચર્ચા થયા બાદ એક તપાસ સમિતિ બનાવી હતી. તમામ આરોપીઓ સામે એક વર્ષના લાંબા સમય બાદ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્રણે પંચાયતો પૈકી પીપલદહાડ ગ્રામપંચાયતમાં જવાબદાર આરોપી પૈકી ત્રણની ધરપકડ કરી છે.

અત્રે નોંધનીય છે કે તમામ પંદર આરોપીઓ સામે ત્રણ મહિ‌ના અગાઉ ફોજદારી ગુનો દાખલ થયા બાદ કાર્યવાહી ન થતા ૧૭ માર્ચ ૨૦૧૩ને દિવ્યભાસ્કરમાં આ અંગે અહેવાલ પ્રગટ થતા આહવા પોલીસે ત્રીજુ લોચન ખોલી ત્રણની ધરપકડ કરતા તાલુકા પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.