હજારોની ઉપસ્થિતિમાં તપસ્વીઓના પારણા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષીતપના મહા તપોયજ્ઞ અંતર્ગત સોમવારે નવસારીની હસ્તીનાપુર નગરીમાં જ્યારે ૨૨૦ જેટલા તપસ્વીઓએ પારણા કર્યા ત્યારે ૧૦ હજારથી વધુ જૈનો હાજર રહ્યા હતા.
વર્ષીતપના મહાયજ્ઞનો પારણોત્સવનો કાર્યક્રમ નવસારીમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહ્યો હતો. ૮મી મેથી શરૂ થયેલા પારણોત્સવ ૧૩મીના રોજ પૂર્ણ થયો હતો. રવિવારે તપસ્વીઓની શોભાયાત્રા નીકળ્યા બાદ સોમવારે પારણોત્સવના અંતિમ દિને તપસ્વીઓએ પારણા કર્યા હતા.
લગભગ ૪૦૦ દિવસ ૨૨૦ જેટલા તપસ્વીઓએ સોમવારે નવસારીના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી સંસ્કારભારતી હાઈસ્કૂલમાં નિર્માણ કરાયેલ હસ્તીનાપુર નગરીમાં પારણા કર્યા હતા. તમામ તપસ્વીઓએ ઈક્ષુરસ (શેરડીનો રસ)થી પારણા કર્યા હતા. આ સમયે ૧૦ હજારથી વધુ જૈનો હાજર રહ્યા હતા. તપસ્વીઓના પારણાના કાર્યક્રમની સાથે બપોરે સંઘ સ્વામી વાત્સલ્યના કાર્યક્રમને પણ હજારો લોકોએ ભાગ લીધો હતો.
વર્ષીતપના મહા તપયજ્ઞના પારણોત્સવના આજના અંતિમ દિવસે મોટીસંખ્યામાં જૈનો ઉમટી પડતા દુધિયાતળાવ માર્ગ સવારે છલકાઈ ગયો હતો. આ માર્ગની બંને બાજુ તથા વિજલપોર માર્ગ ઉપર પણ બંને બાજુએ વાહનો પાર્ક કરવા પડયા હતા. સમગ્ર પારણોત્સવ ખુબ સુંદર રીતે પાર પડયો હતો. શનિવારે રાત્રે હસ્તીનાપુર નગરીમાં મુંબઈના જાણીતા સંગીતજ્ઞ અશોક ગોમાવતનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ પણ યોજાઈ ગયો હતો. જેનો મોટીસંખ્યામાં જૈનોએ ભાગ લીધો હતો.