• Gujarati News
  • The New Building Of The Police Station Latest News Bilimora

એક વર્ષથી ધૂળ ખાતી મરીન પોલીસ મથકની નવી ઈમારત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( ધોલાઈ મત્સ્યબંદર ખાતે બનીને તૈયાર પડી રહેલી મરીન પોલીસ સ્ટેશનની નવી ઈમારત )
એક વર્ષથી ધૂળ ખાતી મરીન પોલીસ મથકની નવી ઈમારત
ધોલાઈમાં મકાન બન્યા છતાં હજુ ત્યાં પોલીસ મથક કાર્યરત કરાયું નથી
મરીન પોલીસ મથક હાલ 10 કિ.મી. દૂર બીલીમોરામાં કાર્યરત છે
બીલીમોરા: લાખો રૂપિયા ખર્ચીને બીલીમોરા નજીક ધોલાઈ મત્સ્યબંદર ખાતે આશરે 1 વર્ષ અગાઉ બનાવવામાં આવેલ મરીન પોલીસ સ્ટેશનની નવી ઈમારતને શરૂ કરવા માટે મુહૂર્ત મળતું નથી. દરેક સુવિધાથી સજ્જ આ મરીન પોલીસ સ્ટેશનની નવી ઈમારત હાલ તો ધૂળ ખાઈ રહી છે. મરીન પોલીસ બીલીમોરાથી ઓપરેટ થતાં બનાવ વખતે તાબડતોબ પોલીસ દૂર હોય સમયસર પહોંચી શકતી નથી. લાખો રૂપિયાના સરકારે આંધણ કરીને હજી ધોલાઈ મત્સ્ય બંદર ખાતે બનાવાયેલું મરીન પોલીસ સ્ટેશન શરૂ કરી શકાયું નથી. કદાચ કોઈ ખાસ મુહૂર્ત જોવામાં આવતું હોય એવી લાગી રહ્યું છે.

લાંબા સમયથી આ નવી ઈમારતને તે પણ દરેક રીતે સજ્જ હાલ તો શોભાના ગાંઠિયા જેવી ઉભી છે. હાલ બીલીમોરાની જૂની પોલીસ ચોકી ખાતેથી મરીન પોલીસ કામગીરી બજાવે છે જે તેના કાર્યક્ષેત્રથી લગભગ 10 કિલોમીટર દૂર છે. જો કોઈ બનાવ બને તો સ્થળ પર પહોંચતા પોલીસે 10 કિલોમીટરનો પ્રવાસ ખેડવો પડે છે. ઈમરજન્સી વખતે સમયસર પહોંચી શકાતું નથી. કાંઠાનો વિસ્તાર મોટો છે અને કાંઠા વિસ્તારને સિટી વિસ્તારથી છૂટો પાડી મરીન પોલીસ અલગથી સરકારે ફાળવતા બધા રાજી થયા હતા પણ ફરજ બીલીમોરા મરીન પોલીસને નવા મકાનમાં પ્રવેશ કરીને કામગીરી કરવાનું સૌભાગ્ય સરકાર ક્યારે પ્રાપ્ત કરાવશે તે ખબર નથી.

દરેક રીતે પૂર્ણ થઈ ગયેલ કામગીરી પછી પણ ક્યા કારણોસર બીલીમોરા મરીન પોલીસ ધોલાઈ ખાતે બનેલ તેનું અલગ પોલીસ સ્ટેશનથી કારભાર કરતી નથી. શું કોઈ ટેકનિકલ કારણ છે જેની તપાસ કરવાની કોશિશ કરી પણ કોઇ કશુ બોલવા તૈયાર નથી. મરીન પોલીસના પીઆઈ એસ.એસ. ગામીતે જણાવ્યું કે નવી ઈમારતમાં પોલીસ મથક કાર્યરત કરવાનો નિર્ણય ઉચ્ચકક્ષાએથી લેવાશે.
પોલીસ મથકનો સ્ટાફ અને વિસ્તાર
દરિયાઈ સુરક્ષા તથા દરિયા નજીકના ગામોની સુરક્ષા માટે સરકાર દ્વારા મરીન પોલીસ મથક શરૂ કરાયા હતા. જે અંતર્ગત બીલીમોરાથી થોડે દૂર જ્યાં જિલ્લાનું એકમાત્ર ફિશિંગ બંદર આવેલું છે એ ધોલાઈમાં પણ મરીન પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ નવા મરીન પોલીસ મથકમાં પીઆઈ સહિત 18થી 20 પોલીસકર્મીનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. મરીન પોલીસ મથકનો કાર્યવિસ્તાર ધોલાઈ, મેંધર-ભાટ તથા નજીકનો છે, ખાસ કરીને દરિયાઈ સુરક્ષા છે.