દિકરાના લગ્ન માટે પરિવાર જાનમાં ગયો અને ઘરે આગ લાગી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈંટાળવામાં આગ લાગતા લાખોનો સામાન બળીને ખાખ
ફાયરબ્રિગેડના જવાનોએ ત્રણ બંબા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે ધસી જઈ આગ બુઝાવી અન્ય ત્રણ ગાળામાં આગ લાગતા અટકાવી
નવસારી તાલુકાના ઈંટાળવા ગામે એક મકાનમાં આગ લાગતા રૂ. ૩ લાખથી વધુનો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. નવસારી ફાયરબ્રિગેડના જવાનોએ ત્રણ બંબા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે ધસી જઈ આગ બુઝાવી અન્ય ત્રણ ગાળામાં આગ લાગતા અટકાવી લીધા હતા.
નવસારીથી ગણદેવી તરફ જતા રોડ ઉપર ઈંટાળવા ગામે રહેતા મગનભાઈ ભગાભાઈ પટેલને ત્યાં અચાનક રાત્રિ દરમિયાન આગ લાગી ગઈ હતી. એકસાથે જ લાઈનમાં ચાર ગાળાના મકાન પૈકી તેમના ગાળામા આગ લાગી હતી. મગનભાઈ પટેલના દીકરાના લગ્ન હોવાથી તેઓ જાન લઈને એંધલ ગયા હતા. રાત્રે ૨ કલાકની આસપાસ તેઓ પરત ફર્યા હતા. એ વખતે ચારગાળાના મકાન પૈકી તેમના મકાનમાં ધુમાડો થતો હતો. ગ્રામવાસીઓએ ધુમાડો જોતા જ તાત્કાલિક તેમના ઘરમાં ઘુસી જઈ કેટલીક સામગ્રી બહાર કાઢી લીધી હતી.
જોકે મગનભાઈ પટેલના મકાનના એક બેડરૂમમાં આગ પકડાતા બેડ, કબાટ, ગાદલા સહિ‌તનો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. જેના પગલે તેમને અંદાજિત રૂ. ૩ લાખથી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. મગનભાઈ પટેલના મકાનમાં આગ લાગતા નરેશભાઈ બાબુભાઈ પટેલે આ ઘટનાની જાણ નવસારી ફાયરબ્રિગેડને કરી હતી. ફાયરબ્રિગેડના ત્રણ બંબા સાથે ફાયર ફાઈટરના જવાનો રાત્રે ઘટનાસ્થળે ધસી ગયા હતા અને એકાદ કલાકની મહેનત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
ચારગાળા લગોલગ હોવાથી એક ગાળામાંથી આગ અન્ય ગાળામાં પણ પ્રસરી જાય તેવી શક્યતા હતી ત્યારે જ ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળે ધસી જઈ આગ ઉપર કાબૂ મેળવતા અન્ય ત્રણ ગાળાના મકાન સલામત રહ્યા હતા. આગ લાગવાનું કારણ પ્રાથમિક તબક્કે શોટસર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.