ચીખલી મામલતદાર કચેરીમાં સર્વર ઠપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીમાં જાતિ અને આવક સહિ‌તના અનેક દાખલાઓ માટે આવતા લોકોને ભારે હાલાકી,સવારે ત્રણ વાગ્યાથી લાઇન લાગે છે
ચીખલી મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં બુધવારના રોજ સર્વર ખોટકાતા દાખલા લેવા માટે આવેલા અનેક અરજદારો અટવાયા હતા. સાથે તેમણે સમય અને આર્થિ‌ક નુકશાન વેઠવાનો સમય આવ્યો છે. ગુરૂવારના રોજ પણ સર્વર ધીમું રહેતા અનેક અરજદારોએ હાલાકી ભોગવવાનો સમય આવ્યો હતો. જનસેવા કેન્દ્રમાં આવતા દાખલા વગેરેની કામગીરી સમયસર થતી ન હોવાની બૂમ ઉઠી છે.
હાલમાં ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાના પરિણામ બાદ જાતિ, આવક સહિ‌તના દાખલાઓ માટે જનસેવા કેન્દ્ર પર મોટાપાયે ધસારો જોવા મળી રહ્યો છે. બુધવારના રોજ દાખલાઓ માટે અરજદારો લાંબી લાઈનમાં આખો દિવસ ઉભા રહ્યા હતા. અચાનક જ સર્વર ખોટકાતા પ્રોગ્રામ બંધ થઈ ગયો હતો. જેના કારણે દૂર દૂર ગામડાઓમાંથી આવેલા અરજદારોએ કામ થયા વિના જ નાણાં અને સમયનો વ્યય કરીને વીલા મોંએ પાછા ફરવાની નોબત આવી હતી. બીજા દિવસે ગુરૂવારે પણ સર્વર ધીમું ચાલતા લોકોની હાલત કફોડી થઇ હતી.
મામલતદાર કચેરીમાં જાતિ, આવકના દાખલા ઉપરાંત બારર્કોડેડ રેશનકાર્ડ જેવી બાબતોમાં ખાનગી એજન્સી દ્વારા કરાયેલી ભૂલના સુધારા માટે લોકોએ આખો દિવસ મામલતદાર કચેરીમાં લાઈનમાં ઉભા રહેવું પડે છે. ભૂલ એજન્સીની હોવા છતાં લોકોએ પોતાની રોજગારી ગુમાવી આર્થિ‌ક નુકશાન સાથે સમયનું પણ નુકસાન વેઠવાની નોબત આવી છે. દાખલા માટે પણ લોકોએ ત્રણ ચાર દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રહીને ધરમધક્કા ખાવાનો સમય આવતા નેતાઓને પ્રજાની સેવા માટે ફૂરસદ ન મળવા બાબતે પણ લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.
અરજદારો માટે યોગ્ય સગવડ પણ નથી
ચીખલી મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર પર છેલ્લા કેટલાક દિવસથી ભારે ભીડ જામે છે અને દાખલા લેવા અરજદારોમાંથી સમયસર કામો ન થતા હોવાની બૂમ ઉઠવા સાથે પાણી પીવાની કે બેસવાની પણ વ્યવસ્થિત સગવડ નથી.’
દિપકભાઈ પાઠક, એડવોકેટ, ચીખલી
કામની ખાતરી કરી નથી
બુધવારે પ્રોગ્રામ બંધ થઈ ગયો હતો જેથી બુધવારના અરજદારોને નંબર આપી ગુરૂવારે બોલાવ્યા હતા અને આજની કામગીરીની ખાતરી કરી નથી.’
અનિલભાઈ પટેલ, નાયબ મામલતદાર, ચીખલી
માલતદાર કચેરીને જાણ કરુ છુ
હું હમણાંજ ચીખલી મામલતદાર કચેરીને આ બાબતે જાણ કરૂં છું અને લોકોને પડતી અગવડ દૂર થાય એ દિશામાં કામગીરી કરાવું છું.’
મંગુભાઈ પટેલ, ધારાસભ્ય, ચીખલી-ગણદેવી
રજૂઆત ન સાંભળતા જનતા ભોગ બની રહી છે
સંકલનની મિટિંગમાં આ બાબતે હું રજૂઆત કરતો આવ્યો જ છું છતાં ભાજપની આધુનિકતાની બધી વાત પોકળ છે અને રજૂઆત સાંભળતા નથી અને તેનો ભોગ જનતા બની રહી છે. ’
છનાભાઈ ચૌધરી, ધારાસભ્ય, ચીખલી-વાંસદા
સવારે ત્રણ વાગ્યાથી લાઈન લાગે છે
મામલતદાર કચેરીમાં આવક-જાતિના દાખલા સમયસર ન મળવા બાબતેની ફરિયાદ અને અનુભવથી દૂર દૂરના ગામોથી લોકો વહેલી સવારે ત્રણ વાગ્યાથી લાઈનમાં ઉભા રહેવા છતાં દાખલા ન મળતા હોવાની ફરિયાદ ઉઠવા સાથે ભારે અવ્યવસ્થા હોવાની પણ રાવ ઉઠી છે.