ગંભીર ગુનાઓમાં ૪૦ ટકા વધારો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી જિલ્લામાં ૨૦૧૧ કરતા ૨૦૧૨માં ગંભીર ગુનાઓની ફરિયાદોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો
નવસારી જિલ્લામા ગુનાખોરીમાં તાજેતરના સમયમાં વધારો થયો છે. માત્ર ૧ વર્ષના ગાળામાં જ ગંભીર ગુનાઓની ફરિયાદોમાં ૪૦ ટકા જેટલો ભારે વધારો નોંધાયાનું ખુદ નવસારી જિલ્લા પોલીસનો રિપોર્ટ કહે છે.
નવસારી આમતો શાંત જિલ્લો છે પરંતુ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ગુનાઓ સંદર્ભની ફરિયાદોમાં વધારો જોવા મળ્યો છે. આ માત્ર આક્ષેપ નથી પરંતુ ખુદ નવસારી જિલ્લા પોલીસનો રિપોર્ટ આ બાબતને પુષ્ટિ આપી રહ્યો છે. નવસારી પોલીસ જેને ગંભીર ગુનાઓ ગણે છે અને ભાગ ૧થી પમાં ખાસ્સો વધારો નોંધાયો છે.
ગંભીર ગુનાઓના પાર્ટ ૧થી પમાં પરચૂરણ ગુનાઓને બાદ કરતા ગંભીર ગુનાઓની ફરિયાદોમાં સને ૨૦૧૧ની સરખામણીએ ૨૦૧૨માં ૪૦ ટકાનો વધારો નોંધાયો છે. જ્યાં ૨૦૧૧માં ૩૭૮ ફરિયાદો હતી ત્યાં આ ગંભીર ગુનાઓની ફરિયાદો સને ૨૦૧૨માં પ૨૬ થઈ ગઈ હતી.તેમ નવસારી પોલીસ સૂત્રો પાસેથી વિગતો મળવા પામી હતી.
ગંભીર ગુનાઓની વધેલી ફરિયાદો તથા સંખ્યાઓ અંગેની આંકડાકીય વિગતો સને ૨૦૧૧ અને ૨૦૧૨ની સરખામણીએ જોતા રાત્રિની ઘરફોડ ચોરી પંચાવનની સામે ૮૮ (૬૦ ટકા વધારો), આઈપીસી ૩૭૯ અને ૩૮૨ની ચોરી ૧૪૨ની સામે ૨૦૧૨માં ૨૨૪ (પ૭ ટકાનો વધારો), વિશ્વાસઘાતની ફરિયાદો ૨૦૧૧માં ૨૪ની સામે ૨૦૧૨માં ૪૯ (૧૦૦ ટકા વધારો), અપહરણમાં ૧૦ની સામે ૧પ ફરિયાદો (પ૦ ટકા વધારો) નોંધાયો હતો.
કેટલાક ગંભીર ગુનાઓ ખૂન, સાદી લૂંટ, દિવસની ઘરફોડ, આઈપીસી ૪૧૯, ૪૨૦ ઠગાઈ, હંગામોમાં સાધારણ ઘટાડો થયો હતો. જ્યારે ખૂનની કોશિશ, ધાડ, ખોટા સિક્કાના ગુનાઓની ફરિયાદ સરખી રહી હતી.
સ્ત્રી અત્યાચારની ફરિયાદોમાં ૧૬૩ ટકા વધારો
નવસારી જિલ્લામાં ગત એક વર્ષના ટૂંકાગાળામાં જે ગુનાની ફરિયાદોમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે એ ફરિયાદો મહિ‌લા અત્યાચારને લગતી છે. આ ફરિયાદો જિલ્લાના મહિ‌લા પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં મહિ‌લાને શારીરિક-માનસિક ત્રાસ આપવો, પરિણીતાને ઘરમાંથી કાઢી મુકવી, દહેજ માંગવુ વગેરેનો સમાવેશ થાય છે. આંકડાકીય વિગતો જોઈએ તો નવસારી જિલ્લાના એકમાત્ર મહિ‌લા પોલીસ મથકમાં સને ૨૦૧૧માં મહિ‌લા સંલગ્ન ઉક્ત ગુનાઓની ફરિયાદો ૪૪ નોંધાઈ હતી. જેની સામે હાલ પૂર્ણ થયેલ સને ૨૦૧૨ના વર્ષમાં અતિભારે વધારો થઈ ફરિયાદોનો આંક ૧૧૬ ઉપર પહોંચી ગયો છે. બીજા શબ્દોમાં કહીએ તો ૧ વર્ષના ટૂંકાગાળામાં સ્ત્રી અત્યાચારની ફરિયાદોમાં ૧૬૩ ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. આ વધારો મહિ‌લાઓની તેમની સાથે થતા અત્યાચારો સામેની જાગૃતિ, કૌટુંબિક જીવનમાં વધેલો સંઘર્ષ, તૂટી રહેલા દાંપત્યજીવનનો અરીસો બતાવી રહ્યા છે.
દારૂના રોજ સરેરાશ ૧૭ ગુના
ભાગ ૧થી પમા આવતા ગંભીર ગુનાઓની સાથે દારૂને સંલગ્ન પ્રોહિ‌બિશનના ગુનાને લગતી ફરિયાદોની સંખ્યા પણ ભારે જોવા મળી છે. હાલ પૂર્ણ થયેલા ૨૦૧૨ના વર્ષમાં પ્રોહિ‌બિશનના ૬૧૦પ ગુનાઓ નોંધાયા હતા, જેમાંથી ૪૭૬૭ શોધાયા હતા. પ્રોહિ‌બિશનના ઉક્ત ગુનાઓની સંખ્યા જોઈએ તો દરરોજ સરેરાશ ૧૭ ગુના નવસારી જિલ્લામાં નોંધાયા હતા એમ કહીં શકાય. જોકે અગાઉના ૨૦૧૧ના વર્ષ કરતા પ્રોહિ‌બિશનના ગુનાઓની સંખ્યા ઘટી હતી. ૨૦૧૧માં ૭૭૧૧ પ્રોહિ‌બિશનના ગુના જાહેર થયા હતા.
ફરિયાદોનું પૂરેપૂરુ રજિસ્ટ્રેશન
છેલ્લા એક વર્ષમાં ગંભીર ગુનાઓની વધેલી ફરિયાદો અંગે નવસારી જિલ્લા પોલીસવડા નિલેશ જાજડીયાએ જણાવ્યું કે કેટલાક ગુનાઓની ફરિયાદો વધી જરૂરી છે, તેને માટે એક મુખ્ય કારણ ફરિયાદોનું રજિસ્ટ્રેશન છે. ડીઆઈજી હસમુખભાઈ પટેલની સૂચના અનુસાર ફરિયાદો લેવામાં પોલીસ વધુ ગંભીર બની છે. ફરિયાદોનો હવે મોબાઈલ નંબર સુદ્ધાં લેવાય છે અને તલસ્પર્શી તપાસ થાય છે. બોગસ ફરિયાદોની પણ ચકાસણી થાય છે, જેથી ફરિયાદોનો આંક વધુ દેખાય છે. બીજુ કે ગુનાઓને અંકુશમાં લેવા સઘન પોલીસ પેટ્રોલિંગ સહિ‌તના વિવિધ પગલાંઓ લેવાઈ જ રહ્યા છે. પોલીસ મહેકમમાં ઘટ છે એ વાત સાચી છે જોકે વધુ પોલીસોની આગામી દિવસોમાં ભરતી કરાઈ રહી છે.