નોગામા પંથકમાં રેતીચોરીનો વેપાર વધ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચીખલી તાલુકાના કેટલાંક ગામોના નદી કિનારે રાત્રિના સમયે મોટા પ્રમાણમાં રેતીનો જથ્થો ઉલેચાઈ રહ્યો છે, સરકારને નુકસાન

ચીખલી તાલુકાના નોગામા ગામેથી વહેતી અંબિકા નદીમાંથી લીઝ વિસ્તાર સિવાય બીજા વિસ્તારમાંથી ગેરકાયદે રીતે મોટાપાયે રેતીચોરીનું કૌભાંડ ધમધમી રહ્યું છે. ગુજરાત સરકાર તેમજ ખાણખનીજ વિભાગના નિયમોનો નદી વિસ્તાર કે લીઝમાંથી રેતી ન કાઢવાના નિયમનો સરેઆમ ભંગ કરી રેતી માફિયાઓ રાત્રિના સમયે ચોરીછૂપીથી મોટી માત્રામાં રેતી કાઢી વેચી મારવાનું વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે.

ચીખલી તાલુકામાંથી પસાર થતી અંબિકા, ઔરંગા, કાવેરી નદીના કેટલાક વિસ્તારમાં સારી એવી માત્રામાં રેતીનો જથ્થો સમાયેલો છે અને જે રેતીનો જથ્થો કયા વિસ્તારમાં કેટલો છે એ રેતીમાફિયાઓ સારી રીતે જાણતા હોવાથી રેતીમાફિયાઓ દ્વારા સરકારી નીતિનિયમો નેવે મુકી રાતોરાત મોટી માત્રામાં રેતી ચોરીનું વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે. નોગામા ગામે આવેલી અંબિકા નદીના પટમાં અને લીઝ વિસ્તાર સિવાયના કેટલાક વિસ્તારમાં સારી એવી માત્રામાં રેતીનો જથ્થો સમાયેલો છે ત્યારે રેતીમાફિયાઓ લીઝ વિસ્તાર સિવાયના અન્ય વિસ્તારમાંથી રેતી ચોરીનું મોટુ કૌભાંડ ચાલી રહ્યું છે.

ચીખલી તાલુકામાં રેતી માફિયાઓ ગુજરાત સરકારના અને ખાણખનીજ વિભાગના નીતિનિયમોનેવે મૂકી રાતોરાત મોટી માત્રામાં હજારો ટન રેતીનો જથ્થો નદીમાંથી બહાર કાઢી વગર રોયલ્ટીએ, પાસ પરમિટ વિના સગેવગે કરવામાં આવી રહ્યો છે. રાત્રિના સમયે સ્થાનિક લોકો તેમજ આજુબાજુના ગામના લોકો કે જ્યાંથી રાત્રિના સમયે આ રેતી ભરેલી ટ્રકો પસાર થતા હેરાન પરેશાન થઇ રહ્યાં છે. આ સાથે રેતી ભરેલી ટ્રક રાતના સમયે પસાર થતાં સ્થાનિકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે.

તંત્રની રહેમનજર હેઠળનો રેતીચોરીનું કૌભાંડ સરકારની તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડી જેની સાથે પર્યાવરણને પણ ખતરો બોલાવી રહ્યો છે. નવસારી જિલ્લા કલેકટર ડો. સંધ્યા ભુલ્લર દ્વારા નિષ્પક્ષ તપાસ હાથ ધરાશે તો ચીખલી તાલુકાના નોગામા સહિ‌તના સરૈયા, જોગવાડ, ચીખલી, સાદકપોર, હરણગામ, બામણવેલ, હોન્ડ, નાંધઈ, ભૈરવી વિસ્તારમાંથી ગેરકાયદે નીકળતી રેતીનું મોટુ કૌભાંડ બહાર આવે એમાં બેમત નથી.

આ બાબતે ચીખલી મામલતદારના કહેવા પ્રમાણે વધુ માહિ‌તી માટે જિલ્લા ખાણખનીજ અધિકારી એ.જી. રાવના મોબાઈલ નંબર ૯૭૨૭૭ ૦૬૧૦પ પર સંપર્ક કરતા ફોન રિસિવ કર્યો ન હતો. જ્યારે ઓફિસનો ફોન નં. ૦૨૬૩૭-૨૩૨૭૬૬ પર સંપર્ક કરતા રિંગ વાગી-ફેક્સ ટોન મળી જતો હતો.

- રોયલ્ટીમાં પણ ગોબાચારી

ખાણખનીજ વિભાગ દ્વારા સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી નદીમાંથી કે લીઝ વિસ્તારમાંથી રેતી ન કાઢવાનો નિયમ બનાવાયો છે. જેનો સરેઆમ ભંગ કરી રેતીના માફિયાઓ રાતોરાત લીઝ વિસ્તાર સિવાયના વિસ્તારમાંથી મોટી માત્રામાં રાતોરાત રેતી ચોરી જઈ રોયલ્ટી વિના જ ટ્રકો રવાના કરી કારભાર સમેટી લે છે. લીઝ વિસ્તારમાં કોઈ વજન કાંટા હોતા નથી જેથી વજન કરતા ઓછી રોયલ્ટી આપી રોયલ્ટી ચોરીનો કારભાર પણ ચાલતા સરકારની તિજોરીમાં મોટો ફટકો પડી રહ્યો છે.

- લોકોને પણ પડતી મુશ્કેલી

રાતોરાત નદીમાંથી રેતી ચોરી કરી જવાતા રેતી ભરીને ગેરકાયદે દોડતી ટ્રકોમાંથી પાણી પડતા રસ્તા ચીકણા બનવા સાથે રસ્તાઓ તૂટી જતા રસ્તા પરથી પસાર થનારાઓ માટે અકસ્માતનો ભય ઉભો થઇ રહ્યો છે. રાતના ટ્રકોની અવરજવર અને અવાજથી પણ સ્થાનિક લોકોએ અનેક મુશ્કેલી ઉભી થતા રાત્રે ચાલતા રેતીના કાળા કારભારથી સ્થાનિક લોકોમાં પણ અસંતોષ ઉભો થયો છે.

- નોગામામાં લીઝ નથી છતાં રાત્રે રેતી કાઢવામાં આવે છે

ચીખલી તાલુકાની નદીમાંથી ગેરકાયદે રીતે રેતી કાઢવાનો ધંધો ફુલ્યો છે. જ્યારે નોગામા ગામેથી તો રાત્રિ દરમિયાન પણ રેતી કઢાય છે અને રાત્રે મશીન ચાલતા જેનો અવાજ સંભળાઈ છે જ્યાં લીઝ નથી એ વિસ્તારમાંથી રેતી નીકળે છે. - શંકરભાઈ પટેલ

- રસ્તાને પણ નુકસાન થઇ રહ્યું છે

ચીખલી તાલુકાના કેટલાક વિસ્તારમાંથી ગેરકાયદે રેતી કાઢવાનું કૌભાંડ ચાલી રહ્યુ છે, જેના કારણે રાત્રે ટ્રકો દોડતા જે ભીની રેતી લઈને જતા રસ્તાને નુકસાન થવા સાથે અકસ્માતનો ભય પણ વધ્યો છે. રેતી મોંઘી થતા રેતીની ચોરી વધી છે. સરકાર રોયલ્ટીની મોટી આવક સરકારી અધિકારીની રહેમનજર હેઠળ ગુમાવી રહી છે.
- રમેશભાઈ રાઠોડ

- ખાણખનીજ વિભાગનો સંપર્ક કરો

મારે પણ રેતી બાબતે ધ્યાન રાખવાનું હોય છે પરંતુ આ બાબતે તમો ખાણખનીજ વિભાગનો સંપર્ક કરો તો સારું તેમ છતાં હું તપાસ કરાવું જ છું અને લીઝ બાબતનો વધુ માહિ‌તી ખાણખનીજ વિભાગ પાસેથી જાણવા મળશે.
- રાજેશભાઈ પટેલ, ચીખલી તાલુકા મામલતદાર