તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની બરાબરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભાજપના મોહન પટેલ ૮૩પ અને કોંગ્રેસના ઇશ્વર વસાવાનો ૪૩૬ મતથી વિજેતા
- સારંગપુરમાં ભાજપ અને ઓચ્છણમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય


ભરૂચ જિલ્લાની અંકલેશ્વર અને આમોદ તાલુકા પંચાયતની એક-એક બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બરાબરીમાં રહ્યા હતા. અંકલેશ્વર તાલુકા પંચાયતની સારંગપુર-૨ બેઠક ઉપરથી ભાજપના મોહન પટેલ જયારે આમોદની ઓચ્છણ બેઠક પરથી કોંગ્રેસના ઇશ્વર વસાવા વિજેતા બન્યાં હતાં.
અંકલેશ્વર તાલુકા પંચાયતની સારંગપુર-૨ બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા આર.પી.યાદવે રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કરતાં તેમની ખાલી પડેલી જગ્યા તથા આમોદની ઓચ્છણ બેઠકના વિજેતા કોંગ્રેસના ઉમેદવારનું નિધન થતાં રવિવારે પેટા ચૂંટણી યોજાઇ હતી.

આજે મંગળવારે બંને બેઠકોની મતગણતરી સ્થાનિક મામલતદાર કચેરી ખાતે હાથ ધરવામાં આવી હતી. સારંગપુર-૨ બેઠકના ભાજપના ઉમેદવાર મોહન પટેલને ૧,૬૮પ મત જયારે કોંગ્રેસના ઉમેદવાર રીંકલ પટેલને ૮પ૦ મત મળતાં મોહન પટેલ ૮૩પ મતથી વિજેતા બન્યાં હતાં. ઓચ્છણ બેઠકના પરિણામમાં કોંગ્રેસના ઉમેદવાર ઇશ્વર વસાવાને ૧૧૬૬, ભાજપના ઉમેદવાર ફોગટ વસાવાને ૭૩૦ જયારે અપક્ષ ઉમેદવાર ભીખા વસાવાને ૨૪પ મત મળતાં કોંગ્રેસના ઇશ્વર વસાવાનો ૪૩૬ મતથી વિજય થયો હતો.

સારંગપુર-૨ બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી

અંકલેશ્વર તાલુકા પંચાયતની સારંગપુર બેઠક પર અગાઉ કોંગ્રેસના આર.પી. યાદવ સામે ભાજપના મોહન પટેલનો પરાજય થયો હતો પરંતુ આર.પી.યાદવે રાજીનામું આપતાં ખાલી પડેલી બેઠક પર ગત વર્ષે હારી ગયેલાં મોહન પટેલ વિજેતાં બન્યાં હતાં. આમ સારંગપુરની બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આચકી લીધી હતી. ઓચ્છણ બેઠક ભાજપના જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય છત્રસિંહ મોરીના મત વિસ્તારમાં આવતી ઓચ્છણ બેઠક જાળવી રાખવામાં કોંગ્રેસ સફળ રહ્યું હતું.