ડાંગમાં ટેમ્પો વૃક્ષ સાથે ભટકાતા એકનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરિવાર વ્યારા લગ્નમાં હાજરી આપી પરત આંબાપાડા ગામે આવી રહ્યો હતો
વઘઈ-આહવા માર્ગ સ્થિત આવેલા દાવદહાડ ગામ નજીક વ્યારાથી લગ્નવિધિ પતાવી પરત ફરી રહેલા આહવાના પરિવારના છોટાહાથી ટેમ્પોને અકસ્માત નડતા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્યને ગંભીર ઈજા પહોંચતા આહવા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
પ્રાપ્ત થતી માહિ‌તી મુજબ આહવાના આંબાપાડા ફળિયામાં રહેતા ગણેશભાઈ ગાયકવાડ પત્ની અને પુત્ર સાથે પોતાના સાસરાપક્ષ વ્યારા ખાતે લગ્નમાં હાજરી આપવા ગયા હતા. તેઓ લગ્નની વિધિ પતાવી મોડીરાત્રે આહવા પરત ફરી રહ્યા હતા ત્યારે ટાટા છોટાહાથીના ડ્રાઈવર ભગવાનદાસ કમલાકરને ઝોકું આવી જતા ટેમ્પો પરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો માર્ગની સાઈડે આવેલ વૃક્ષ સાથે ઘડાકાભેર અથડાયો હતો. જેમાં આગળ બેઠેલા ટેમ્પો માલિક ગણેશભાઈ રમેશભાઈ ગાયકવાડ (ઉ.વ.૩પ) રહે.આંબાપાડા ફળિયું, આહવાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પત્ની રેખાબેનને ગંભીર ઈજા પહોંચતા આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમની હાલત વધુ બગડતા સુરત સિવિલમાં રિફર કરાયા હતા.
બનાવ સંદર્ભે મરનારના બંધુ કલ્પેશ ગાયકવાડે આહવા પોલીસને જાણ કરતા આહવા પોલીસે ઝીરો નંબર નો ગુનો નોંધી અકસ્માતની હદ વઘઈ પોલીસને લાગતી હોય કાગળો વઘઈ પોલીસને ટ્રાન્સફર કર્યા હતા.