નવસારીમાં પાઠયપુસ્તકોની અછત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીમાં આગામી શૈક્ષણિક સત્રના અનેક પાઠયપુસ્તકો મળી રહ્યા નથી. વિદ્યાર્થીઓ અને વાલીઓ પુસ્તકો માટે દુકાનના આંટાફેરા કરી રહ્યા છે. હાલ શાળાઓમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. શાળાઓના પરિણામ આવી ગયા છે. પરિણામ આવી ગયા બાદ વિદ્યાર્થીઓ આગામી શૈક્ષણિક વર્ષ માટે પાઠયપુસ્તકો ખરીદવાની તજવીજ શરૂ કરી દેતા હોય છે. નવસારી પંથકમાં પણ કેટલાક દિવસથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ પાઠયપુસ્તકો ખરીદવાની તજવીજ આરંભી દીધી છે. જોકે અનેક ધોરણોના કેટલાક પાઠયપુસ્તકો મળી ન રહ્યાની ફરિયાદો બહાર આવવા લાગી છે.

મળતી માહિ‌તી મુજબ ૧થી પ અને ૯થી ૧૨ ધોરણના ગુજરાતી માધ્યમના કેટલાક વિષયના પાઠયપુસ્તકોની ખેંચ છે. જોકે અન્ય માધ્યમના તો અનેક પાઠયપુસ્તકો મળતા ન હોવાની જાણકારી છે. સૌથી મોટો પ્રશ્ન ધોરણ ૬થી ૮ના પાઠયપુસ્તકોનો છે, આ પાઠયપુસ્તકો મળતા નથી. વિદ્યાર્થીઓ અને વાલીઓ સ્ટેશનર્સોને ત્યાં પાઠયપુસ્તકોની તપાસ માટે અવારનવાર આંટાફેરા કરી રહ્યા છે. મહત્તમ વિદ્યાર્થીઓ અને વાલીઓને તમામ વિષયોના પુસ્તકોનો આખો સેટ મળતો નથી.

આ અંગે નવસારીના સ્ટેશનર્સ વિક્રેતા ભરત શાહે જણાવ્યું કે રોજ અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓ પાઠયપુસ્તકોની ઉપલબ્ધતાની પૂછતાછ કરવા માટે આવી રહ્યા છે, જેમાંના ઘણાંને પુસ્તકો ઉપલબ્ધ ન હોઈ પરત જવું પડે છે. જવાબ આપતા અમે પણ થાકી જઈએ છીએ. અનેક ધોરણોમાં કેટલાક વિષયોના પુસ્તકો મળતા ન હોવાની સમસ્યા છે. નવસારી, વલસાડ, ડાંગ અને સંઘપ્રદેશ દમણ-સેલવાસના હોલસેલ વિક્રેતા નવસારી મધ્યસ્થ ગ્રાહક ભંડારના અધિકારી અજય અસ્મારે જણાવ્યું કે આમ તો ૧થી પ અને ૯થી ૧૨ના પુસ્તકોની ખાસ સમસ્યા નથી. ૬થી ૮ ધોરણના પુસ્તકો હજુ આવ્યા નથી. આ પાઠયપુસ્તકો લેવા અમારી ગાડી જઈ રહી છે. બે-ત્રણ દિવસ બાદ આ પુસ્તકો મળી જવાની ધારણા છે.

ધોરણ ૬થી ૮ના પુસ્તકોની અવઢવ

આમ તો અનેક ધોરણોના કેટલાક વિષયોના પુસ્તકો મળતા નથી પરંતુ અવઢવ ધો. ૬થી ૮ના પુસ્તકોની છે. ગત વરસે જ આ ધોરણોના પુસ્તકો બદલાયા હતા. જે ચાલુ સાલે હા-ના વચ્ચે પુન: બદલવાનો નિર્ણય લેવાયો છે. આ ધોરણોના પુસ્તકો હજુ બજારમાં આવ્યા નથી. ગત વરસે વેપારીઓએ ઉક્ત ધોરણોના પાઠયપુસ્તકોનો મોટો જથ્થો ખરીદી લીધો હતો, જે પુસ્તકો બદલાતા જથ્થો પડી રહ્યો છે. આ જૂના પુસ્તકો પરત લેવા બાબતે હજુ અનિ‌શ્ચિ‌તતા છે. લાખોનો માલ પડી રહ્યો છે. ધો. ૬થી ૮ના પુસ્તકો પરત લેવા સંદર્ભે રાજ્યકક્ષાએથી સ્ટેશનર્સ એસોસિએશને પુસ્તકો ન વેચવાની જાહેરાત કરી હતી. જોકે આ જાહેરાતનો નવસારીમાં અમલ થયો ન હતો, હજુ અવઢવ પ્રવર્તે છે. નવસારી સ્ટેશનર્સ એસો.ના સેક્રેટરી ભરત શાહે જણાવ્યું કે અમને હજુ પુસ્તકો ન વેચવા બાબતની જાહેરાતની પૂરતી જાણકારી મળી નથી.