નવસારી પાલિકાની સભાના ૧૧૦ કામો રદ કરો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી જિલ્લા કલેકટર નવસારી નગરપાલિકા ચીફ ઓફિસર પાસે રિપોર્ટ માંગશે
નવસારી નગરપાલિકાની સામાન્ય સભામાં ગુરૂવારે વિપક્ષ સાથે ચર્ચા કર્યા વિના ૧૧૦ કામો મંજૂર કરવાની ભાજપી શાસકોની નીતિ વિરૂદ્ધ શુક્રવારે વિપક્ષ કોંગ્રેસે કલેકટરને ફરિયાદ કરી મંજૂર કરાયેલા કામો રદ કરી ફરી સભા બોલાવવા માગ કરી છે.
નવસારી પાલિકાની ગુરૂવારે મળેલી સામાન્ય સભામાં વિપક્ષના સિનિયર સભ્ય વેણીલાલ રાણાએ કરેલા કેટલાક જણાં પાલિકામાં ગણેશજીની મૂર્તિ‌ને પગે લાગી ધંધો કરવા આવે છે એવી ટીપ્પણી સામે હોબાળો મચી ગયો હતો અને શાસક પક્ષે આ મુદ્દે હોહા કરી તમામ ૧૧૦ કામો ચર્ચા વિના જ મંજૂર મંજૂરનો દેકારો કરી સભા આટોપી લીધી હતી. આ મામલો શુક્રવારે કોંગ્રેસ કલેકટરના દરબારમાં લઈ ગયો હતો.
પાલિકાના વિપક્ષી નેતા બિપીન રાઠોડની આગેવાનીમાં કોંગ્રેસી પ્રતિનિધિ મંડળ કલેકટર ડો. સંધ્યા ભુલ્લરને મળ્યું હતું. કલેકટરને મળી કોંગ્રેસે ફરિયાદ કરી હતી કે ગુરૂવારની પાલિકાની સભામાં શાસક પક્ષનો ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર બહાર પડે નહીં. તે માટે વિપક્ષને ચર્ચા કરતો અટકાવ્યો હતો અને લોકશાહીના મૂલ્યનું ખૂન કર્યું હતું. કોંગ્રેસે સભામાં મંજૂર કરેલા તમામ ૧થી ૧૧૦ કામો રદ કરી ફરી સભા બોલાવી વિપક્ષને કામો ઉપર ચર્ચા કરવાની તક આપવાની માગ કરી હતી.
કોંગ્રેસી પ્રતિનિધિ મંડળે કલેકટર સાથેની રૂબરૂ મુલાકાતમાં સામાન્ય સભાની કાર્યવાહીનું રેકડિગ કરાય, સભાની મિનિટ્સ બરાબર લખાય તેવી માગ પણ કરી હતી. કોંગ્રેસી પ્રતિનિધિ મંડળની રજૂઆત કલેકટરે સાંભળી હતી અને તેમણે આ મુદ્દે પાલિકાના ચીફ ઓફિસર પાસે રિપોર્ટ મંગાવી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.