નવસારી સર્કલને ટીપટોપ કરવાનું કામ શરૂ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્યભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્ર જાગ્યું
નવસારીથી થોડે દૂર એરૂ ચાર રસ્તા પાસેના બિસમાર ટ્રાફિક સર્કલને હવે ટીપટોપ કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આ સર્કલની બિસમારતાનો અહેવાલ હાલમાં જ દિવ્યભાસ્કરમાં પ્રસિદ્ધ થયો હતો.
નવસારીની દક્ષિણ પ‌શ્ચિ‌મે આવેલા એરૂ ખાતે ચાર રસ્તા પડે છે. આ ચાર રસ્તા નજીકથી ચારે દિશામાં વાહનોની ભારે અવરજવર થાય છે. જેને લઈ માર્ગમકાન વિભાગે ટ્રાફિક સર્કલ બનાવ્યું હતું. આ ટ્રાફિક સર્કલ છેલ્લા ઘણાં સમયથી બિસમાર થઈ ગયું હતું. સર્કલની ફરતેની લોખંડની ગ્રીલો તૂટી ગઈ હતી. સળિયા બહાર આવતા જોખમ સર્જા‍યું હતું તથા સર્કલનો ખાનગી પેઢીઓ પબ્લિસિટી તરીકે ઉપયોગ કરાતો હતો. આ સર્કલની બિસમારતાનો અહેવાલ તાજેતરમાં દિવ્યભાસ્કરમાં સચિત્ર પ્રસિદ્ધ કરાયો હતો.
અહેવાલ પ્રસિદ્ધ થતાં જ તંત્ર સફાળું જાગ્યું હતું. બિસમાર બનેલા એરૂ ચાર રસ્તાના ટ્રાફિક સર્કલને છેલ્લા ત્રણેક દિવસથી પુન: ટીપટોપ કરવાનું કામ શરૂ કરાયું છે. સર્કલની ફરતે લોખંડની ગ્રીલો સરખી કરાઈ છે. પબ્લિસિટીના બેનરો દૂર કરવામાં આવ્યા છે. સાથોસાથ સર્કલની સુંદરતા માટે કલરકામ પણ કરવામાં આવી રહ્યું છે.