• Gujarati News
  • Navsari Agriculture University Kitchen Garden Training

નવસારી કૃષિ યુનિ.માં કિચન ગાર્ડન અંગે તાલીમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂલ્યવર્ધિ‌ત વસ્તુઓ બનાવીને બહેનો નાના પાયા પર પ્રોસેસિંગ દ્વારા રોજગારી પણ મેળવી શકે છે
નવસારી કૃષિ યુનિવર્સિ‌ટી નવસારીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વ્યવસાયિક તાલીમના બે તાલીમ પ્રોગ્રામ નવસારીના વિસ્તરણ શિક્ષણ નિયામકના અધ્યક્ષતામાં યોજાયા હતા. આ તાલીમ કાર્યક્રમમાં આજના સમાજના ખાસ જરૂરિયાત એવા કૃષિને લગતા કિચન ગાર્ડન અને મૂલ્યવર્ધન જેવા વિષયો રાખવામાં આવ્યા હતા.
તાલીમ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા ડો. દેરાશ્રીએ જણાવ્યું હતું કે હાલ મોંઘવારી તેમજ શાકભાજી પાકોમાં જંતુનાશક દવાનું પ્રમાણ ખુબ વધી ગયેલ છે. જેને લીધે ઘણાં અસાધ્ય રોગોનું ભોગ બનવું પડે છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં આંબા અને ચીકુનું બહોળા પ્રમાણમાં વાવેતર અને ઉત્પાદનની સામે પ્રોસેસિંગ અને પ્રિઝર્વેશન ખૂબ જ ઓછુ થાય છે. ભારત જેવા વિકાસશીલ દેશ માટે આ પરવડે તેમ નથી. આથી મૂલ્યવર્ધિ‌ત વસ્તુઓ બનાવીને બહેનો નાના પાયા પર પ્રોસેસિંગ દ્વારા રોજગારી પણ મેળવી શકે છે અને બગાડ અટકાવીને આર્થિ‌ક રીતે સદ્ધર પણ થઈ શકે તેમ છે જે માટે આ મૂલ્યવર્ધનની તાલીમ ખુબ જ ઉપયોગી અને દિશાસૂચન પૂરી પાડી શકશે.
કેવીકે કેન્દ્રના વડા ડો. સી.કે.ટીમ્બડીયાએ બંને તાલીમના લાભાર્થીઓનું સ્વાગત કરીને કેન્દ્રમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓની ઝાંખી કરાવી હતી. તાલીમમાં નવસારી કૃષિ યુનિવર્સિ‌ટી દ્વારા બનાવેલા કિચન ગાર્ડનના મોડેલ દ્વારા થતા ફાયદા, વિવિધ ઋતુઓમાં કિચન ગાર્ડનમાં સમાવેશ થઈ શકે તેવા શાકભાજી, ઔષધિય અને ફળ-ફુલ પાકોની ખેતી વિશેની માહિ‌તી આપવામાં આવી હતી. અર્બન અને પેરાઅર્બનમાં ઉપયોગી એવા ટેરેસ ગાર્ડન, રૂફ ગાર્ડનમાં કેવી રીતે અને કેવા શાકભાજી પાકો થઈ શકે તે વિશેની સરળ અને સચોટ પદ્ધતિઓ બતાવવામાં આવી હતી. જંતુનાશકો અને રાસાયણિક ખાતરોની અસર નિવારવા માટે સેન્દ્રિ‌ય ખાતર, અળસિયાનું ખાતર અને જૈવિક દવાઓની સમજ પૂરી પાડી તેને કિચન ગાર્ડનમાં ઉપયોગમાં લેવા પ્રોત્સાહિ‌ત કર્યા હતા.
મૂલ્યવર્ધનની તાલીમમાં સમય અને માગને અનુસાર કેરીની વિવિધ બનાવટો પર તાલીમ આપવામાં આવી હતી. જેમાં કાચી કેરીની વિવિધ બનાવટો જેવી આમચૂર, આંબોળીયા, મુરબ્બો, અથાણા તથા પાકી કેરીમાંથી પલ્પનું પ્રિઝર્વેશન, કેરીનું સરબત, સ્કવોશ, કેરીની ગોટલીનો મુખવાસ વગેરેની પ્રેકટીકલ અને થિયરી માહિ‌તી પૂરી પાડવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં વાંસદા તાલુકાની સરા ગામની આદિવાસી બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી સક્રિય ભાગ લીધો હતો.