મા-બાપના વીમા ક્લેઈમના ૩ લાખ દીકરીઓને ચૂકવો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મા-બાપના વીમા ક્લેઈમના ૩ લાખ દીકરીઓને ચૂકવો
- પર્સનલ એક્સિડન્ટ કવર મુજબ ક્લેઈમ ચૂકવાયો ન હતો


અકસ્માતમાં મૃત્યુ પામેલ માતા-પિતાની વીમા પોલિસીના પર્સનલ એક્સિડન્ટ કવર હેઠળ કુલ ૩ લાખ રૂપિયા તેમની દીકરીઓને ચૂકવવા ગ્રાહક ફોરમે વીમા કંપનીએ હુકમ કર્યો હતો.

આ અંગે દાખલ ફરિયાદ મુજબ વિગતો મુજબ મૂળત: રાણતના મોઘાભાઈ ભીખાભાઈ નાયકની માલિકીની કાર નં.જીજે-૧૯-એમ-૪૬૧૯ની ધી ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કંપની લી. વીમા પોલિસી હતી. જે અંતર્ગત વાહન માલિક જાતે વાહન ચલાવતા હોય અને અકસ્માતમાં મૃત્યુ થાય તો બે લાખ રૂપિયા પર્સનલ એક્સિડન્ટ કવર હેઠળ હતા તથા વાહનમાં બેઠેલાનું મૃત્યુ થાય તો એક લાખ રૂપિયા ચૂકવવાના હતા.

પોલિસીના સમય દરમિયાન મોંઘાભાઈની કારનો જૂનાગઢ પોલીસ મથકની હદમાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વાહન હંકારનાર મોંઘાભાઈ ભીખાભાઈ નાયક પોતે તથા તેમની પત્નીનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું હતું. આ અકસ્માત બાદ માતા-પિતાના અવસાન સંદર્ભે પર્સનલ એક્સિડન્ટ પોલિસી અંતર્ગત કુલ ત્રણ લાખ રૂપિયાની રકમ વીમા કંપનીએ ચૂકવ્યા ન હતા.

આથી મરનાર દંપતીની વારસદાર દીકરીઓ કબીલપોર નવસારીમાં રહેતી બીનાબેન અમરીશભાઈ દેસાઈ, જયનાબેન રાજેશભાઈ દેસાઈ અને ઉલ્પાબેન હિ‌રેનભાઈ દેસાઈએ નવસારી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ દાખલ કરી હતી.

ગ્રાહક ફોરમે આ કેસનો ચુકાદો આપ્યો. જે અંતર્ગત વારસદાર દીકરીઓ વીમા કંપનીમાં ઈન્ડેમનીટી બોન્ડ કરી આપ્યે પિતાના મૃત્યુની લગત પેટે બે લાખ રૂપિયા તથા માતાના મૃત્યુની લગત પેટે એક લાખ રૂપિયા વ્યાજ સહિ‌ત ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો હતો. આ ઉપરાંત બે કેસમાં પડેલ ત્રાસ પેટે કુલ અઢી હજાર રૂપિયા તથા ફરિયાદ ખર્ચ પેટે પણ અઢી હજાર રૂપિયા ચૂકવવા જણાવ્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ નજીક થયેલ આ અકસ્માત ટાંણે મૃત્યુ પામનાર મોંઘાભાઈ નાયકનો દોહિ‌ત્ર અને નવસારીના જાણીતા ડેન્ટીસ્ટ ડો.અંકિત દેસાઈ પણ વાહનમાં સવાર હતા. જોકે તેમનો આબાદ બચાવ થયો હતો.