નવસારી: જિલ્લાભરની દવાની દુકાનો બંધ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં નવસારી વિભાગની ૧૬૦ દુકાનો બંધ રહેતા લોકોને મુશ્કેલી સાથે અટવાયા
સરકારની નીતિઓના કારણે નવસારી વિભાગની ૧૬૦ જેટલી દવાની જથ્થાબંધ તથા છૂટક દુકાનો બંધ રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
કેન્દ્ર સરકાર દવાને લઈને નવી પોલિસી બનાવી રહી છે. આ પોલિસીમાં મલ્ટીનેશનલ દવા કંપનીઓ અંગેની નીતિ, પ્રાઈસ કંટ્રોલ પોલિસી વિપરીત બની છે. દવાનો માર્જિન પણ ઘટી જવાની શક્યતા છે. આ ઉપરાંત કેટલીક માંગણીઓને લઈ ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ દ્વારા ૧૦મીએ દેશવ્યાપી બંધનું એલાન આપ્યું હતું.
આ એલાનને સમર્થન આપતા નવસારી શહેર, વિજલપોર શહેર સહિ‌ત નવસારી વિભાગની મોટાભાગની દવાની દુકાનોના શટર ૧૦મીએ સવારથી જ ખુલ્યા ન હતા. નવસારી વિભાગમાં ૧૬૬ જેટલી દવાની દુકાનો છે. જેમાં ૧૩૬ જેટલી છૂટક અને ૩૦ જેટલી જથ્થાબંધ દુકાનો આવેલી છે. આ દુકાનોમાં ૬થી ૮ દુકાનો જ વિકલ્પ પેટે લોકોને મુશ્કેલી ન પડે તે માટે ચાલુ રખાઈ હતી. નવસારીમાં છ દુકાનો કે જે હોસ્પિટલમાં સાથે સંલગ્ન છે તે જ ચાલુ રહી હતી. બાકીની મોટાભાગની દુકાનો બંધ રહી હતી.
નવસારી વિભાગ કેમિસ્ટ એસોસિએશનના ચેરમેન ભરત નાયકે (નાયક એજન્સી) જણાવ્યું કે મહત્તમ દવાની દુકાનોએ શુક્રવારે બંધ પાળ્યો હતો. નવસારીમાં છ દુકાનો લોકોને દવા મળી રહે તે માટે ચાલુ રહી હતી.
દવાની દુકાનોની હડતાળને કારણે લોકોને મુશ્કેલી પડી હતી. દવા લેવા માટે દુર દુર જવુ પડયું હતું. બીજુ કે ઘણાં લોકોને બંધના દિવસે કઈ દુકાનમાં દવા મળશે તેની માહિ‌તી ન હોઈ અટવાયા પણ હતા.
ગણદેવી વિભાગની દુકાનોનો જડબેસલાક બંધ
ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ મુંબઈ દ્વારા શુક્રવારના રોજ દવા બજારના સમગ્ર બંધના એલાનના અનુમોદનમાં ગણદેવી વિભાગની દવાની તમામ દુકાનોએ જડબેસલાક બંધ પાળ્યો હતો. આ બંધ દરમિયાન જાહેર જનતાને હાલાકી ભોગવવી ન પડે તે હેતુથી વૈકલ્પિક સુવિધાના ભાગરૂપ દવાની જે દુકાનોને ખુલ્લી રાખવાની છૂટ અપાઈ હતી તેજ ખુલ્લી રહી હોવાનું અત્રેના દવાના દુકાનદારોએ જણાવ્યું હતું.
બીલીમોરામાં પ૦થી વધુ દુકાન બંધ
બીલીમોરાની પ૦થી વધુ દવાની દુકાનો સમગ્ર દિવસ બંધ હતી. હડતાળ અંગે બીલીમોરા વિભાગ કેમિસ્ટ એસોસિએશનના ઉપપ્રમુખ વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે લાંબા સમયથી ફાર્માસિસ્ટના પ્રશ્નોના નિરાકરણ લાવવા આજની આ હડતાળમાં સામેલ થઈ દવાની તમામ દુકાનો બંધ રાખી છે. દર્દીઓને જોકે આજની હડતાળથી થોડી ઘણી તકલીફ પડશે પરંતુ ઈમરજન્સીમાં દવાની જરૂરિયાત માટે મંગળાબા હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં વ્યવસ્થા કરી છે.
ચીખલીના દવાવાળાનો પણ વિરોધ
ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ મુંબઈ દ્વારા ૧૦મે શુક્રવારના રોજ દવા બજારના બંધના એલાનને પ્રતિસાદ આપવા માટે ચીખલીના કેમિસ્ટો દ્વારા પણ બંધમાં જોડાઈ વિરોધ નોંધાવ્યો છે.
વાંસદામાં દવાની હડતાળ
વાંસદા તાલુકાના મુખ્ય મથક વાંસદા નગરમાં આવેલી દવાની દુકાનો પણ શુક્રવારની એક દિવસ માટે હડતાળમાં ભાગ લીધો હતો. જ્યારે હોસ્પિટલ સાથે જોડાયેલી દવાની દુકાન ખુલી રહી હતી. દવાની દુકાનો દેશભરની બંધ રહી હતી તેમાં વાંસદા તાલુકાના મેડિકલ સ્ર્ટોસવાળા એક દિવસ બંધ રાખી સમર્થન આપ્યું હતું.