બીલીમોરા માહ્યાવંશી સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા માહ્યાવંશી સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

બીલીમોરા જવેર જીવણ મહેતા હાઈસ્કૂલ પટાંગણમાં માહ્યાવંશી વિકાસ મંચ નવસારી જિલ્લા સમૂહ લગ્ન સમિતિ દ્વારા પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં સમાજના ૧૦ યુવક-યુવતીએ પ્રભુતામાં પગલાં માંડયા હતા.માહ્યાવંશી સમાજમાં પ્રવર્તમાન સમય અનુસાર આર્થિ‌ક દુવ્ર્યવહાર અટકાવવા બિનજરૂરી ખર્ચાળ રિવાજો-દેખાદેખીને તિલાંજલી આપી સમાજની સંસ્કૃતિને જીવંત રાખવાના સંકલ્પો સાથે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. દેશ-દુનિયામાં દરેક સમાજ તૂટી રહ્યો છે, જેના અનેક કારણો હોઈ શકે. કોઈ પૈસાની દેખાદેખીથી સમાજથી વિમુખ થઈ રહ્યો છે તે કોઈ પૈસાની તંગીથી સમાજથી અળગો થઈ રહ્યો છે. સમાજમાં અસમાનતાના કારણે આંતરજાતિય ઈન્ટરકાસ્ટ મેરેજની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે.

પરિણામે એકતાનો સ્તંભ તૂટી રહ્યો છે. સમાજના ગરીબ વર્ગ નબળા પરિવારો પ્રસંગો ઉજવવામાં દેવાદાર બની રહ્યા છે ત્યારે સમાજના તમામ વર્ગોને આર્થિ‌ક રીતે પાયમાલ થતા અટકાવવા સમાજમાં સમૂહ લગ્નોત્સવના મેળાવડા યોજવાનું નક્કી કરાયું હતું એવું પ્રમુખ ભૂપેન્દ્ર સુરતીએ જણાવ્યું હતું. છેલ્લા ચાર વર્ષના સમૂહ લગ્નોત્સવ થકી સમાજના ૩૬ યુવક-યુવતી પરિણયના તાંતણે બંધાયા છે. પાંચમા લગ્નોત્સવમાં ખાપરવાડા, હરણગામ, ધારાગીરી, તલોધ, વિજલપોર, ઉંડાચ, થાણા, તવડી, ઉંભેળ, અટગામ, નાના વાઘછીપા, છાપર, અમલસાડ, જલાલપોર વિસ્તારના પરિવારોએ ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં સમાજના લોકો પ્રભુતામાં પગલાં માંડતા યુગલોને આર્શીવાદ આપવા ઉમટી પડયા હતા. યુગલોને દાતા તરફથી જીવનજરૂરી વિવિધ ભેટસોગાદો આપવામાં આવી હતી. સમૂહ લગ્ન સમારંભના અધ્યક્ષ મનહર પટેલ, ઉદ્ઘાટક દિપક પટેલ, પ્રમુખ ભૂપેન્દ્ર સુરતી, અતિથિવિશેષ રજનીકાંત પટેલ, ભરત રાઠોડ, હિ‌તેશ સુરતી, સંતોષ ચોકીદાર તેમજ મુખ્ય મહેમાન તરીકે મરોલીના ચેહરમાતાના ઉપાસકની વિશેષ હાજરી રહી હતી.