નવસારી: નવસારી જિલ્લાના આંબા અને ચીકુ પકવતા ખેડૂતોને વૃક્ષોને વૈજ્ઞાનિક ઢબે માવજત કરી શકાય તે માટે આત્મા પ્રોજેકટ હેઠળ જિલ્લાના 36 જેટલા ખેડૂતોને મહારાષ્ટ્રના દાપોલી ડો. બાબાસાહેબ સાવંત કોંકણ કૃષિ વિદ્યાપીઠ ખાતે પ્રુનિંગ અને કેનોપી મેનેજમેન્ટ (છત્ર વ્યવસ્થાપન અને છટણી)ની તાલીમ આપવામાં આવી હતી. નવસારી જિલ્લામાં ચીકુ અને આંબાની મોટા પ્રમાણમાં થાય છે. આ વૃક્ષો જૂના થવાના કારણે પાકના ઉતાર અને લાગમાં અનિયમિતતા જોવા મળે છે. જેના કારણે ખેડૂતો જૂની વાડીઓ કપાવીને નવા વાવેતર તરફ વળે છે પરંતુ વૈજ્ઞાનિક ઢબે આંબા-ચીકુના વૃક્ષની છટણી કરવામાં આવે તો પાંચ વર્ષમાં નવિનીકરણ થઈ શકે છે.
જેને ધ્યાનમાં રાખીને ખેડૂતોને નવસારી આત્મા પ્રોજેકટ ડાયરેકટર એસ.કે.ઢીમ્મર, ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેકટર ડો. નીલમ પટેલના માર્ગદર્શન આપવા મહારાષ્ટ્ર લઈ જવાયા હતા ત્યાં ખેડૂતોને જૂના વૃક્ષોનું નવિનીકરણ, જૂના વૃક્ષો પર નવી જાતોનું પ્રત્યારોપણ, ઈન્ડો-ઈઝરાયલ પ્રોજેકટના પરિણામો, રોગ જીવાતનું નિયંત્રણ, ફળોની પકવણી અને મૂલ્યવર્ધન જેવા વિષયોથી વાકેફ કરાયા હતા. ખેડૂતો સાથે ગણદેવી આત્મા પ્રોજેકટના મેનેજર નિશાંત દેસાઈ તથા ચીખલીના શૈલેષ ગાંવિત જોડાયા હતા.