જિલ્લાના શિવાલયોમાં ભક્તોની ભીડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંસદામાં અજમલગઢ ડુંગર પર મેળો ભરાયો

વાંસદામાં મહાશિવરાત્રીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજે મહાશિવરાત્રી હોય વહેલી સવારથી જ વાંસદા કાવેરી નદી કિનારે આવેલા રાજરાજેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી. ભક્તોએ દૂધ, બીલીપત્ર અને બીજોરુ નાળિયેર, પાણી અને શેરડીના રસનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. રાજરાજેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં વહેલી સવારે મહાશિવરાત્રી નિમિત્તે લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં લગભગ ૩૦ કિલો ઘીનું કમળ બનાવવામાં આવ્યું હતું.

રોશનીથી ઝગમગતા આ શિવાલયમાં સજાવાયેલા ઘીના કમળના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા અને ભાંગનો પ્રસાદ લીધો હતો. આ ઉપરાંત તાલુકાના નાની ભમતી ગામે ભરતનાથ મહાદેવ મંદિર, વડલી ખાતે તડકેશ્વર મહાદેવ મંદિર, વાંસદા શંકર ફળિયામાં મહાશિવરાત્રી ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે અજમલગઢ ડુંગર પર શિવજી મંદિરે મહાશિવરાત્રી ઉત્સવ નિમિત્તે ભરાયેલ મેળામાં મોટી સંખ્યામાં મેદની ઉમટી હતી અને ભક્તોએ શિવજીના દર્શન કર્યા હતા.

વાંસદા રાજરાજેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં કાવેરી નદીમાં યુવાનો દ્વારા ખુબ જ સુંદર રીતે હોડીમાં સજાવી શિવજીની છબી મુકી હતી. વાંસદાના લગભગ ૨૦૦ કરતા વધારે હિ‌ન્દુ યુવાનોનું વંદેમાતરમ્ ગ્રુપ દ્વારા વાંસદા નગરમાં ટાવર વિસ્તારમાં સામિયાણો પાડી ડીજેમાં શિવભજનો વહેતા મુકી ભાંગનો પ્રસાદ બનાવી મહાશિવરાત્રીની ઉજવણી કરાઈ હતી.