પીપલગભાણમાં તળાવની ઉલેચાતી માટીની કાયદેસરતા ચર્ચામાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પીપલગભાણમાં તળાવની ઉલેચાતી માટીની કાયદેસરતા ચર્ચામાં

ચીખલી તાલુકાના પીપલગભાણ ગામે મોટી માત્રામાં લાખો રૂપિયાની માટી કાઢી જવાની પ્રવૃત્તિ બેરોકટોક ચાલતા ગામના જ કેટલાક આગેવાનો દ્વારા તંત્રને આ બાબતે જાણ કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. ચીખલી તાલુકાના પીપલગભાણ ગામે વડ ફળિયા વિસ્તારમાં આવેલા તળાવને ઉડું કરવાને બહાને તળાવની માટી બે જેસીબી અને ચાર જેટલા ટ્રેકટરો દ્વારા કાઢવામાં આવી રહી છે.

જે માટી કાઢવા માટે કોઈ સરકારી પરવાનગી કે રોયલ્ટી મેળવ્યા વિના જ હજારો ટન માટી ખોદાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી કે પગલાં લેવાયા નથી. જે બાબતે સ્થાનિક ગ્રામજનો દ્વારા ખાણખનીજ વિભાગને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાયાની ચર્ચા ચાલે છે. અહીં ઉલ્લેખનીય છે કે ચીખલી તાલુકામાં સરકારી જગ્યામાંથી માટીખનનની પ્રવૃત્તિ થયાની વાતો અવારનવાર બહાર આવી રહી છે.

આ અંગે પીપલગભાણના સરપંચ ઈશ્વરભાઈના જણાવ્યાનુસાર માટી ખોદકામ બાબતે અમે કોઈ પરમિશન આપી નથી અને જે બાબતે મને કઈ ખબર નથી. હું દ્વારકા છું જેથી કશું જાણતો નથી. નવસારી જિલ્લા ખાણખનીજ અધિકારી ખોબકરના જણાવ્યાનુસાર અમે કોઈ પરમિશન આપી નથી કે રોયલ્ટી લીધી નથી. અમે આકસ્મિક તપાસ સ્થળ ઉપર હાથ ધરી ગેરકાયદે પ્રવૃત્તિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરીશું.