બીલીમોરામાં આધારકાર્ડની કામગીરીમાં માહિ‌તીનો અભાવ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એજન્સીના માણસો પાસે જ અપૂરતી માહિ‌તી હોવાથી કામગીરી ક્યારે પૂર્ણ થશે, એક સવાલ

બીલીમોરામાં આધારકાર્ડની કામગીરીનો પ્રારંભ થયો છે. પરંતુ કામગીરી કરી રહેલા એજન્સીના માણસો પાસે કામગીરી અંગે અપૂરતી માહિ‌તી છે. એક જ ફોર્મ કુટુંબમાં આપવું કે વ્યક્તિ દીઠ ફોર્મ આપવા, મહિ‌લા, બાળકો, વૃદ્ધો કે અપંગો માટે શું વ્યવસ્થા એવી કોઈ માહિ‌તી નહીં હોવાને કારણે લોકોને મુશ્કેલી પડે છે. કમ્પ્યૂટર ઉપર કામગીરી કરવાની પરંતુ કમ્પ્યૂટર પણ ઓછા છે. આ રીતે કામગીરી ક્યારે પૂર્ણ થશે એ પણ એક પ્રશ્ન છે.

બીલીમોરા નગરપાલિકા કચેરીની પાછળના ભાગે બનેલ ફાયર બ્રિગેડ સ્ટેશનની રૂમમાં આધારકાર્ડની કામગીરીનો પ્રારંભ થયો છે. આ આધારકાર્ડની કામગીરી એજન્સીને આપવામાં આવી છે. એજન્સીએ આ કામગીરીમાં તદ્દન શીખાઉ માણસો રાખ્યા છે. એમને કોઈપણ માહિ‌તી પૂછવામાં આવે તો એમની પાસે કોઈ જવાબ હોતો નથી.

કુટુંબ દીઠ ફોર્મ ભરવાનું કે વ્યક્તિ દીઠ ફોર્મ ભરવાના એની કોઈ માહિ‌તી નહીં હોવાને કારણે લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે. એમા પણ વૃદ્ધો, અપંગો, મહિ‌લા, બાળકો માટે શું વ્યવસ્થા છે એની પણ કોઈ માહિ‌તી નહીં હોવાને કારણે લોકોને મુશ્કેલી થઈ રહી છે. આ બધી સમસ્યાઓને કારણે લોકોમાં ઉહાપોહ થઈ રહ્યો છે. એજન્સી સંચાલકો કામગીરીમાં નગરપાલિકા સભ્યોને કોઈ વિવાદ નહીં સર્જા‍ય એટલે દરમિયાનગીરી કરવા કહે છે.

આ આધારકાર્ડ બનાવવાની કામગીરીમાં મુશ્કેલી નહીં પડે એ માટે કોનો સંપર્ક કરવો વગેરે માહિ‌તી સાથે વહીવટીતંત્ર બહાર પાડે તો લોકો કામગીરીને સમજી શકે. આધારકાર્ડની કામગીરીમાં અન્ય જગ્યાએ દલાલો સક્રિય થઈ ફોર્મ ભરવાના સારા એવા પૈસા વસૂલતા હતા તેવું બીલીમોરામાં નહીં થાય તેની પણ કાળજી વહીવટી તંત્રએ રાખવી પડશે અને સંપૂર્ણ માહિ‌તી સાથે આ કામગીરી થાય એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. હાલમાં વોર્ડ નં.૧૨ના લોકો માટે આધારકાર્ડની કામગીરી ચાલી રહી છે.

- કમ્પ્યૂટર ઓછા છે

આ સમગ્ર બાબતે ચીફ ઓફિસર વિજય પરીખને પૂછતા તેમણે કહ્યું કે, હાલમાં કમ્પ્યૂટર ઓછા છે એટલે મુશીબત પડે છે. પરંતુ તાલુકામાં જ્યાં કામગીરી ચાલે છે તે પૂર્ણ થયેથી એ કમ્પ્યૂટરો અહીં આવી જશે. એટલે લોકોને વધુ સુવિધા મળી રહેશે અને આધારકાર્ડની કામગીરી પણ વ્યવસ્થિત ચાલશે. હાલમાં વોર્ડવાઈઝ કામગીરી ચાલુ છે.