ઉનાઈ માર્કેટયાર્ડમાં પરવળ મુદ્દે હંગામો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પરવળના ભાવ પ્રથમ રૂ. ૪૬૦ લખી થોડા સમયમાં રૂ. ૪૦૦ કરાતા ખેડૂતો રોષે ભરાયા

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાંસદાના સબયાર્ડ ઉનાઈ ખાતે પરવળના વેપારીઓએ કલાકમાં ભાવ ઘટાડી દેતા ખેડૂતો રોષે ભરાતા હંગામો મચાવ્યો હતો. અંતે સબયાર્ડના સેક્રેટરી તપાસે આવતા રજૂઆત કરી મામલો થાળે પાડયો હતો.

વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાંસદા સબયાર્ડ ઉનાઈ ખાતે બપોરે ઉનાઈ અને તેની આજુબાજુ ખંભાલીયા, બારતાડ, ડોલવણ, પાટી, કેળકચ્છ, મહુવરીયા, કાકડવા, ચઢાવ, ભીનાર, ચરવી, સિણધઈ, પાઠકવાડી વગેરે ગામોમાંથી ખેડૂતો પરવળ અને બીજા શાકભાજી લઈ આવે છે. વેપારીઓ દ્વારા રોજેરોજ ભાવ બોર્ડ ઉપર લખવાનો હોય છે. મંગળવારે વેપારીઓ જ્યારે પરવળનો માલ લઈ આવ્યા ત્યારે માર્કેટયાર્ડમાં ભાવ ૨૦ કિલોના રૂ. ૪૬૦ લખવામાં આવ્યો હતો અને અમુક વેપારીઓને આ ભાવ ચૂકવવામાં આવ્યો હતો. કલાકના સમયમાં જ પરવળનો ભાવ વેપારીઓ દ્વારા બોર્ડ ઉપર ઘટી રૂ. ૪૦૦ કરી દેવામા આવ્યો હતો. જેનાથી ખેડૂતો રોષે ભરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારના રોજ પરવળનો ભાવ રૂ. પ૬૦ ચૂકવવામાં આવ્યો હતો. મંગળવારે ઓછા ભાવ મળતા ખેડૂતો નારાજ હતા, તેમાં પણ વધુ ભાવ ઘટતા રોષે ભરાયા હતા અને ભેગા મળી માલ નહીં આપતા હંગામો કર્યો હતો. આ અંગેની જાણ માર્કેટયાર્ડના સેક્રેટરીને થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ખેડૂતોની રજૂઆત સાંભળી હતી તેમજ દોષીઓને ઘટતું કરવા જણાવતા મામલે થાળે પડયો હતો. ખેડૂતોનું શોષણ અટકે તે માટે માર્કેટયાર્ડ દ્વારા યોગ્ય પગલાં લેવા પણ રજૂઆત કરાઈ હતી.