• Gujarati News
  • Government Ayurvedic Hospital Staff Lack Aahva Latest News

અપૂરતા સ્ટાફથી પિડાતી આયુર્વેદ સેવા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( સરકારી આયુર્વેદિક હોસ્પિટલ આહવા )

અપૂરતા સ્ટાફથી પિડાતી આયુર્વેદ સેવા
16ના મહેકમ સામે 1 ડૉકટર, 1 ડ્રાઇવર અને 1 કલાર્ક અને વર્ગ 4 ના 5 કર્મચારી, રોજના 75 પેશ્ન્ટની ઓપીડી રહે છે
ડાંગ જિલ્લામાં ચાર કરોડના ખર્ચે બનેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ

આહવા: ડાંગ જિલ્લાની ચાર કરોડના ખર્ચે બનેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં સ્ટાફના અભાવથી હોસ્પિટલમાં આવનાર દર્દીઓની સેવા કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.ડાંગ જિલ્લો 311 ગામો ધરાવતો 98 ટકા આદિવાસી વિસ્તારને આવરી લેતો જિલ્લો છે. ડાંગ જિલ્લાના આદિવાસીઓ માટે સરકાર તરફથી નીતનવી યોજનાઓ અને નવી નવી આધુનિકતાથી સજ્જ હોસ્પિટલો નિર્માણ કરી આદિવાસીઓને લાભ આપવામાં આવી રહ્યો છે. એક તરફ આદિવાસીઓના સ્વાસ્થ્ય વિશે વિચારીને 4 કરોડના ખર્ચે આયુર્વેદિક હોસ્પિટલનું નિર્માણ કરાયું છે. બીજી તરફ મહેકમ (સ્ટાફ) ઓછો હોવાથી તેને મેઈન્ટેન કરવું ખુબ અઘરુ સાબિત થઈ રહ્યું છે.

આયુર્વેદિક હોસ્પિટલની મસમોટી બિલ્ડિંગમાં દરેક સુવિધા ઉપલબ્ધ છે. અહીં પંચકર્મ જેમાં માલિશ, બસ્તી, વમન, શેક માલિશ, વિરેચન, નસ્ય વગેરે પંચકર્મ સિવાય ફિઝીયોથેરાપી, યોગહોલ તેની સાથે દર્દીને રહેવા જમવાની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે.સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં 16 જણાંના મહેકમની જરૂરિયાત છે જ્યારે હાલ આ દવાખાનામાં ફક્ત એક ડોકટર અને એક ડ્રાઈવર સિવાય એક જુનિયર કલાર્ક ફિક્સ પગાર પર કાર્યરત છે. જ્યારે વર્ગ-4ના કર્મચારીઓ 5 છે, જેને 2000થી હાલ સુધી ફક્ત રૂ. 600ના વેતનમાં તેઓ કામ કરી રહ્યા છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આટલી આધુનિક 4 કરોડના ખર્ચે બનાવેલ આયુર્વેદિક હોસ્પિટલમાં મહેકમ ભરાય તેની તાતી જરૂરિયાત છે. આવનાર દર્દી માટે દવા આપવા કંપાઉન્ડર નથી, નર્સ નથી અન્ય ડોકટર નથી.

આજે આહવા સ્થિત સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ગુજરાતના આદિવાસી દર્દી સહિત મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો સારવાર કરાવવા આવી રહ્યા છે. આ હોસ્પિટલમાં હરસ, મસા, ભગંદર માટે ઓપરેશન થિયેટર છે પરંતુ સ્ટાફના અભાવને કારણે હાલમાં કાર્યરત નથી. જો આ હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ મુકવામાં આવે અને તે પણ ખાસ કરીને ડાંગ તેમજ આજુબાજુના વિસ્તારના ડૉકટરોની નિમણૂક થાય તેની ખાસ જરૂરિયાત ઉદભવી રહી છે. મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં દરરોજ 70થી 75 દર્દીની ઓપીડી રહી છે જેમને સારવાર આપવામાં હયાત થોડા સ્ટાફને નવનેજા નીકળે છે. ડાંગ જેવા વિસ્તારમાં જ્યારે ગુજરાતના દૂરના જિલ્લામાંથી ડોકટરોની નિમણૂક થાય તો તેઓ થોડા સમયમાં જ બદલી કરાવી અન્ય શહેરોમાં જતા રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. જો ડાંગ તથા તેના આજુબાજુના વિસ્તારના ડોકટરોની નિમણૂક થાય તો આ સમસ્યાનું નિવારણ આવી શકે તેવું લોકોનુ માનવું છે.
નવસારી જિલ્લામાં 19 દવાખાનામાં 6 તબીબ
નવસારી જિલ્લામાં પણ અપૂરતી સેવાથી આયુર્વેદ સેવા ખોટકાયાની જાણકારી મળી છે. નવસારી જિલ્લામાં સરકાર હસ્તકના 19 આયુર્વેદ દવાખાનાઓ આવેલા છે. મળતી માહિતી મુજબ આ 19 તમામ દવાખાનામાં મેડિકલ ઓફિસર નથી. માત્ર 6 મેડિકલ ઓફિસરો જ છે. આ 6 મેડિકલ ઓફિસરોને ત્રણ-ત્રણ ચાર-ચાર ચાર્જ આપી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. મેડિકલ ઓફિસર ન હોવાથી આયુર્વેદ સેવાને અસર થઈ રહી છે. આ દરેક દવાખાનામાં ફાર્માસિસ્ટ, પટાવાળાની જરૂરિયાત પણ હોય છે જોકે 19 દવાખાના માટે માંડ ચાર જ ફાર્માસિસ્ટ હોવાની જાણકારી મળી છે. આ અંગે જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. મંજુલાબેન પટેલે જણાવ્યું કે નવસારી જિલ્લાના આયુર્વેદ દવાખાનામાં સ્ટાફ અપૂરતો છે એ વાચ સાચી છે. જે અંગે ઉચ્ચ કક્ષાએ જાણ કરીએ છીએ.
વર્ગ 4ના પગાર વધારા માટે રજૂઆત કરી છે
હોસ્પિટલના તબીબ ડો. કિરણ ચૌધરીને સરકારી આયુર્વેદિક હોસ્પિટલના સ્ટાફ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે અમે અમારા અપૂરતા મહેકમ અંગે લેખિત રજૂઆત તથા વર્ગ-4ના પગારવધારા અંગે પણ ઘણીવાર રજૂઆત કરી છે.