નવસારી: નવસારી શહેર વિસ્તારમાં ઉપરાછાપરી મહિલાઓના ગળામાંથી અછોડા તોડી ફરાર થઈ જનાર ચેઈન સ્નેચરોએ જિલ્લા પોલીસની ઉંઘ હરામ કરી હતી. જોકે, ટાઉન પોલીસે આ બે ચેઈન સ્નેચરોને ઝડપી પાડતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. ટાઉન પોલીસે બંને ચેઈન સ્નેચરોના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.નવસારી શહેર વિસ્તારમાં વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી ચેઈન સ્નેચરો ગળામાંથી સોનાની અછોડો તોડી બાઈક ઉપર ફરાર થઈ જવાની ઉપરાછાપરી બે ઘટનાઓ બનતા નવસારી જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ ચેઈન સ્નેચરોને ઝડપી પાડવા માટે નવસારી જિલ્લા પોલીસે એક્શન પ્લાન પણ ઘડી કાઢ્યો હતો.
જિલ્લા પોલીસવડા નિલેશ જાજડીયાએ આ એક્શન પ્લાન મુજબ ચેઈન સ્નેચરોને ઝડપી પાડવા પ્રયત્ન હાથ ધર્યા હતા. તે દરમિયાન નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેલબ રાકેશ શ્રીરામને ચેઈન સ્નેચર બાબતે બાતમી મળતા જ તે બાતમીના આધારે ટાઉન પોલીસ મથકની ટીમે વિરાવળ નાકા પાસે વોચ ગોઠવી હતી. એ દરમિયાન એક યામાહા બાઈક નં.જીજે-21-ડી-6259 ઉપર બે યુવાન આવી પહોંચતા પોલીસે તેમને શંકાના આધારે ઝડપી પાડી પ્રાથમિક પૂછતાછ કરતા તેઓ સુરતના રહીશ હોવાનું જણાવી પોતાના નામો પૈકી હેમલેશભાઈ કેશુભાઈ કડવા પટેલ (ઉ.વ.37, બંધો રિક્ષાચાલક રહે.લીંબાયત, ગોડાદરા, આસપાસ મંદિર, સ્વામી નારાયણ સોસાયટી, ઘર નં.90, પતરાવાળી ચાલ, સુરત) તથા સુરેશ આહીર (ઉ.વ.19 ધંધો રિક્ષાચાલક, રહે.લીંબાયત, ગોડાદરા ગામ, ઈન્દ્રલોક એપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ સોસાયટીની બાજુમાં ભાડાના મકાનમાં, સુરત, મૂળ રહે.સાવખેડાગામ, તા.અમલનેર, જિ.જલગાંવ, મહારાષ્ટ્ર) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તે બંનેની સઘન પૂછતાછ કરતા તેમણે ટાઉન વિસ્તારમાં પાંચહાટડી વિસ્તારમાં મહિલાઓને નિશાન બનાવી તેમના ગળામાંથી સોનાની અછોડો તફડાવી લીધાની કબૂલાત કરી હતી. ટાઉન પોલીસ મથક વિસ્તાર પૈકી પીંજારા મહોલ્લો અને પાંચહાટડી નજીકથી મહિલાના ગળામાંથી સોનાની અછોડો તોડી લઈ ફરાર થઈ જવાની બાબત કબૂલાત કરતા ટાઉન પોલીસ મથકના જમાદાર દિપસિંહે આગળની તપાસ હાથ ધરી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, આ પકડાયેલા આરોપીઓ મોટેભાગે મોટી ઉંમરની મહિલાઓને મોડીસાંજે જ શિકાર બનાવતા હતા.
દરવાજો ખુલ્લો રખાવી ચેઈન તફડાવી
નવસારીના પાંચહાટડીમાં સંજય કોમ્પલેક્સમાં રહેતા હંસાબેન મહાદેવભાઈ દેસાઈ (ઉ.વ.76) 20મી સપ્ટેમ્બરના રોજ સાંજે 6.30 કલાકની આસપાસ વિઠ્ઠલ મંદિરમાં દર્શનાર્થે ગયા હતા. તેઓ પરત થયા ત્યારે ફ્લેટમાં જવા લીફ્ટનો દરવાજો ખોલી અંદર પ્રવેશી દરવાજો બંધ કરવા જતા એક અજાણ્યા યુવાને તેમનો મિત્ર આવતો હોવાનું જણાવી દરવાજો બંધ નહીં કરવાનું જણાવી હંસાબેનના ગળામાંથી સોનાની પેન્ડલ સહિત રૂ.80,000ની કિંમતની ચેઈન તફડાવી ફરાર થઈ ગયો હતો.
બાઇક પર આવી સોનાની કંઠી લઈ ફરાર
નવસારીમાં પીંજારા મહોલ્લાના નાકા ઉપરથી પોતાના ઘરે જઈ રહેલા જશુમતીબેન જયંતીલાલ ગાંધી (ઉ.વ.68)ના ગળામાંથી પાછળથી બાઈક ઉપર આવેલા બે અજાણ્યા યુવાનોએ 3 તોલાની અંદાજિત રૂ.60000ની કિંમતની સોનાની કંઠી તફડાવી ફરાર થઈ ગયા હતા.