ગણદેવીમાં દીપડાએ બકરો ફાડી ખાતા ભય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગણદેવી તાલુકાના પીંજરા ગામે રાત્રે વાડીમાં જવા માટે એકલ-દોકલ વ્યક્તિને ડર
- ગામમાં ત્રણેક દિવસથી દીપડો દેખાતા ગ્રામજનોમાં ડર
ગણદેવી તાલુકામાં અંબિકા નદીના ઉત્તર કિનારે આવેલ પીંજરા ગામે ગત શનિવારની રાત્રે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ નિશાળ ફળિયામાં રહેતા ભંગીયાભાઈ હળપતિના મકાનના ઓટલા ઉપરથી દીપડાએ એક બકરાને ફાડી ખાધો હતો. પીંજરા ગામના નિશાળ ફળિયા ખાતે ગત શનિવારની રાત્રે રમેશભાઈ ડાહ્યાભાઈ પટેલ પોતાના ખેતરમાં સિંચાઈ માટે પાણીની મોટર ચાલુ કરી ઘરે પરત આવતા હતા તે દરમિયાન તેમના ફળિયામાં દીપડાને વિચરતો જોતા ગભરાઈ ગયા હતા.
રમેશભાઈની મોટરસાઈકની લાઈટ અને અવાજના કારણે દીપડો અંધારામાં ગાયબ થઈ ગયો હતો.થોડી જ વારમાં દીપડો ડામર રસ્તાની બાજુમાં આવેલ લક્ષ્મીબેન ભંગીયાભાઈ હળપતિના આવાસ પાસે પહોંચી ઓટલા ઉપર બાંધેલ આશરે પાંચેક માસના તંદુરસ્ત બકરાને પોતાનો શિકાર બનાવ્યો હતો. દીપડાએ પોતાનું કાર્ય એટલી ચૂપકીદીથી કર્યું હતું કે ઓટલા પર બાંધેલા બકરાથી માત્ર બે ફૂટ દૂર સુતેલા મોહનભાઈ ભંગીયાભાઈ હળપતિને તેની ગંધ સુધ્ધાં આવી ન હતી.
ગણદેવી તાલુકાના વેગામ-પીંજરા, પીપલધરા, માણેકપોર ગામો નદી કિનારે આવેલા છે. જ્યાં ઉંભી ભેખડો અને ગીચ ઝાડી ઝાંખરાવાળી કોતરો આવેલી છે. જે દીપડા જેવા હિંસક અને વન્ય પ્રાણીઓ માટે દિવસ દરમિયાનનું આશ્રયસ્થાન પુરું પાડે છે. રાત્રિના અંધકારમાં દીપડા ગ્રામજનોએ પાળેલા મરઘા, બકરા, ગાય જેવા પ્રાણીને પોતાનો શિકાર બનાવે છે. દીપડો પીંજરા ગામે છેલ્લા બે-ત્રણ દિવસથી દેખા દેતો હોય ગ્રામજનોમાં ભય ફેલાયો છે. મોડીરાત્રે એકલ-દોકલ વ્યક્તિઓ વાડીઓમાં જવા માટે ખચકાય છે.
- ફરી દીપડો દેખાય તો સંપર્ક કરવો
પીંજરા ગામે દીપડાએ બકરાનો શિકાર માનવ વસતીવાળા વિસ્તારમાં કર્યાની જાણ જંગલખાતાના અધિકારી કાંતિભાઈ નાયકને કરતા તેમણે નવસારી અને ગણદેવીનો જંગલ વિસ્તાર નજીક હોય અને ત્યાં દીપડાની વસતિ હોય શિકાર માટે આવી ચઢતા હોવાનું જણાવ્યું હતું. ફરી પાછો દીપડો દેખાય તો તરત જ સંપર્ક કરવા જણાવ્યું હતું. દીપડાને પકડી પાંજરે પુરવા માટે તેમણે ખાતરી આપી હતી.