ડાંગના કેટલાક વિસ્તારમાં વૃક્ષછેદન, પર્યાવરણને નુકશાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શામગહાન અને ગલકુંડ રેંજ વિસ્તારમાં ગેરકાયદે વૃક્ષછેદનની પ્રવૃત્તિથી મહ્દ અંશે પર્યાવરણને પણ નુકશાન

ડાંગ જિલ્લાની દક્ષિણ વનવિભાગ હસ્તકની શામગહાન અને ગલકુંડ રેંજ વિસ્તારના જંગલમાં ગેરકાયદેસર વૃક્ષછેદનની પ્રવૃત્તિ ધમધમી રહી છે. મહત્તમ વનરાજીથી ઘેરાયેલા જિલ્લાના જંગલમાં વૃક્ષછેદનની પ્રવૃત્તિ કોઈ નવી બાબત નથી પરંતુ હાલે કેટલાક સમયથી વૃક્ષછેદનની પ્રવૃત્તિ મોટાપાયે થઇ રહી છે. ગલકુંડ રેંજના વિસ્તારમાં આવતા વાસુર્ણા વિસ્તારના જંગલમાં વૃક્ષછેદનની પ્રવૃત્તિ વધી ગઈ છે. જંગલો નષ્ટ થવાના આરે છે.

આજ રીતે શામગહાન વિસ્તારના દભાસના જંગલોમાં ઉપરાંત ચીખલી રેંજના ગુંદવહણ-આંબાપાડા વચ્ચે આવેલા દાપુર નામે ઓળખાતા જંગલમાં પણ ઈમારતી લાકડાની તસ્કરી મોટાપાયે થઈ રહી છે. તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે. થોડા દિવસ પૂર્વે વાસુર્ણા પાસેથી સાપુતારા પોલીસે ગેરકાયદેસર વહન કરાતો લાકડાના જથ્થા સાથે ટેમ્પો ઝડપી પાડ્યો હતો. જેમાં પણ દક્ષિણ ડાંગ વનવિભાગના અધિકારીઓ ઉંઘતા ઝડપાયા હતા.

દિનપ્રતિદિન ગેરકાયદેસર વૃક્ષછેદનની પ્રવૃત્તિ વધતા જંગલ બોડા થતા વન્ય જીવસૃષ્ટિ પણ ઓછી થવા સાથે દીપડા જેવા પ્રાણીઓએ સ્થાળંતર કરવાની ફરજ પડી રહી છે. બીજી તરફ એક સમયે રાજ્યના ચેરાપુંજી તરીકે ઓળખાતા ડાંગ જિલ્લામાં વરસાનું પ્રમાણ ઘટી રહ્યું છે તે પણ એક ગંભીર ચિંતાનો વિષય છે. ત્યારે લાકડાચોરી ડામવા વન વિભાગના અધિકારીઓ કમર કસે તે જરૂરી છે.