નવસારી શિક્ષણ સમિતિના બજેટમાં મહત્તમ રકમ પગારમાં વપરાય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નવસારી શિક્ષણ સમિતિના બજેટમાં મહત્તમ રકમ પગારમાં વપરાય
- શિક્ષણ સમિતિ બાદ પાલિકાએ પણ મંજૂરી આપી દીધી


નવસારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ૨૦ કરોડ રૂપિયાનું બજેટ પ્રથમ સમિતિએ અને ત્યારબાદ નવસારી પાલિકાએ મંજૂર કર્યું હતું, જેમાં મહત્તમ રકમ તો શિક્ષકો અને કર્મચારીઓના પગારમાં વપરાઈ જાય છે. શિક્ષણ સમિતિ બાદ પાલિકાએ પણ આ બજેટને મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળે છે. નવસારી શહેરમાં સરકાર ગ્રાંટેડ ૨૨ જેટલી પ્રાથમિક શાળાઓ કાર્યરત છે.

જેમાં મોટીસંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળાઓનો વહીવટ નવસારી પાલિકાની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ કરી રહી છે. થોડા દિવસ અગાઉ જ મધુભાઈ કથિરીયાના ચેરમેનપદવાળી શિક્ષણ સમિતિએ આગામી ૨૦૧૪-૧પના વર્ષનું ૨૦.પ૨ કરોડ રૂપિયાના કદનું બજેટ સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું.

આ બજેટમાં ગ્રાંટનો ૯પ ટકા પ્રમાણે ફાળો ૧૮.૧૯ કરોડ અને નવસારી પાલિકાનો પ ટકા ફાળો ૯પ.૭૮ લાખ રૂપિયા નિર્ધારિત થયો હતો. બજેટમાં દર વર્ષની જેમ મહત્તમ રકમ ૧૮.૬૨ કરોડ રૂપિયા શિક્ષણ સમિતિની શાળામાં કામ કરતા ૧પ૦થી વધુ શિક્ષકો, કર્મચારીઓના પગાર તથા અન્ય ભથ્થા પેટે રખાઈ છે. અન્ય જે કેટલાક ખર્ચ વિકાસના કામો માટે અંદાજિત કરાયા છે.

તેમાં શાળામાં શૌચાલયોના નવીનીકરણ, પાણી-વિજળી પેટે ૨૦ લાખ, શાળાઓમાં કમ્પ્યુટર શિક્ષક પેટે ૨ લાખ તથા અન્ય ખર્ચ મળી ૩૯.૪૦ લાખ મંજૂર કરાયા છે. પ્રથમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ બજેટ મંજૂર કર્યા બાદ આ બજેટને નવસારી નગરપાલિકાની સામાન્ય સભાએ પણ હાલમાં જ મંજૂરીની મહોર મારી દીધી હતી.