બાંધકામોને નિયમબદ્ધ નહીં કરાવો તો ડિમોલિશન થશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી પાલિકાનું બિલ્ડરો સાથેની બેઠકમાં અલ્ટીમેટમ
ઈમ્પેકટ ફીના કાયદા માટે ઝૂંબેશ ચલાવવાનો નિર્ણય
નવસારીના બિલ્ડરો, આર્કિટેકોને પાલિકાએ ગેરકાયદે બાંધકામો ઈમ્પેકટ ફી ભરી નિયમબદ્ધ કરાવી લેવા યા ૧૯મી ઓગસ્ટ બાદ ડિમોલિશન માટે તૈયાર રહેવાનું અહીંની નગરપાલિકાએ અલ્ટીમેટમ આપ્યું છે.
ગુજરાત સરકારે તા. ૨૮/૩/૨૦૧૧ પહેલા થયેલા અનધિકૃત બાંધકામો ઈમ્પેકટ ફી ભરી નિયમબદ્ધ કરવાનું જાહેરનામુ બહાર પાડયું હતું. ઈમ્પેકટ ફી અંગેના જાહેરનામાની મુદત અગાઉ બે વખત વધારવામાં આવી છે. હાલમાં તા. ૧૯/૨/૧૩ના જાહેરનામામાં ઈમ્પેક્ટ ફીમાં ભારે ઘટાડો કર્યો છે અને તા. ૧૯/૮/૨૦૧૩ સુધીની મુદતમાં અરજી કરવા જણાવાયું છે. રાજ્યના અન્ય શહેરોની જેમ નવસારી શહેરમાં પણ આ યોજનાને ઓછો પ્રતિસાદ સાંપડયો છે.
હવે સરકારે આ યોજનાને સફળ બનાવવા રાજ્યકક્ષાએથી સ્થાનિક લેવલે આદેશો છોડતા નવસારી પાલિકાએ ગુરૂવારે સાંજે શહેરના બિલ્ડરો, આર્કિટેકો સાથે મિટિંગ યોજી હતી. બેઠકમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિ‌ત ચેરમેનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
બિલ્ડરો સાથેની બેઠકમાં નવસારી પાલિકાના ચીફ ઓફિસર સુરેશ શેઠ સહિ‌ત અધિકારીઓ, પદાધિકારીઓએ ઈમ્પેકટ ફી યોજનાની સમજ આપી હતી. સાથોસાથ ૧૯/૮/૧૩ સુધીમાં ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવા અરજી કરી દેવા રીતસર અલ્ટીમેટમ આપી જણાવ્યું હતું કે ત્યારબાદ કોર્ટના ચૂકાદા અને નિયમોનુસાર ડિમોલિશન કરવામાં આવશે. આ તકને છેલ્લી તક હોવાનું પણ જણાવ્યું હતું.
મળતી માહિ‌તી મુજબ ઈમ્પેકટ ફીના કાયદાને સફળતા બક્ષવા આગામી દિવસોમાં નવસારી પાલિકાએ ઝૂંબેશ ચલાવાનું નક્કી કર્યું છે જે અંતર્ગત પાલિકાના અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ શહેરમાં ફરી ફરી ગેરકાયદે બાંધકામોને નિયમબદ્ધ કરાવવા લોકોને સમજાવશે.
માત્ર ૨૦૦ અરજીઓ જ આવી
નવસારી શહેરમાં ઢગલાબંધ અનધિકૃત બાંધકામો હોવા છતાં ઈમ્પેકટ ફી માટેની અરજી ઓછી થઈ છે. પાલિકાના એક અધિકારીએ જણાવ્યું કે નાના મોટા ફલેટો, દુકાનો, બંગલા વગેરે મળી અનધિકૃત બાંધકામોનો આંક હજારોમાં છે. જોકે ઈમ્પેકટ ફી માટેની અરજી માત્ર ૨૦૦ જ આજદિન સુધી આવી છે. ઈમ્પેકટ ફી ઓછી કરી છતાં પ્રતિસાદ પાંગળો રહ્યો છે. ભૂતકાળના અનુભવોને લઈ બિલ્ડરો તથા મિલકતધારકોના એક વર્ગમાં એવી માન્યતા છે કે પાલિકા અનધિકૃત બાંધકામો સામે કડક પગલાં લેશે નહીં