તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Chain Snatching With Knife Sharp To Woman In Jamalpor

જમાલપોરમાં મહિ‌લાને ચપ્પુ બતાવી સોનાની તફડંચી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજાણ્યા બાઈક સવારે મંગળસૂત્ર અને પાટલા તફડાવી છૂમંતર
નવસારી નજીકના જમાલપોર વિસ્તારમાં એક મહિ‌લાને ચપ્પુ બતાવી બાઈક ઉપર વેરાન જગ્યાએ લઈ જઈ સોનાના દાગીના લૂંટી અજાણ્યો યુવાન ભાગી ગયો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ મૂળ ગણદેવી તાલુકાના સાલેજ ગામના વતની અને યુનિયન બેંકના ભૂતપૂર્વ કર્મચારી ભરતભાઈ ઈશ્વરલાલ નાયક તથા તેનો પરિવાર નવસારી નજીકના જમાલપોરમાં આવેલી ઘનશ્યામપાર્ક સોસાયટીમાં રહે છે. ગઈકાલે શનિવારના રોજ બપોરના આશરે એક વાગ્યાના સમયે ભરતભાઈ નાયકની પ૯ વર્ષીય પત્ની ચંદ્રકલાબેન જમનાપાર્ક સોસાયટી વિસ્તાર પાસેથી ચાલતા આવી રહ્યા હતા. આ દરમિયાન એક કાળા કલરની બાઈક ઉપર સવાર થઈ આશરે ૨પ વર્ષની વયનો યુવાન આવ્યો હતો અને ચપ્પુ બતાવી ચંદ્રકલાબેનને બાઈક ઉપર બેસાડી દીધા હતા.
ભયને કારણે ચંદ્રકલાબેન બાઈક ઉપર બેસી ગયા હતા. તેણીને આ અજાણ્યો યુવક જમનાપાર્કના નાકેની વેરાન જગ્યામાં લઈ ગયો હતો અને ત્યાં ચંદ્રકલાબેને ગળામાં પહેરેલ સોનાનું દોઢ તોલાનું મંગળસૂત્ર તથા હાથમાં પહેરેલ સોનાના બે પાટલા તફડાવી લઈ રફૂચક્કર થઈ ગયો હતો. ચંદ્રકલાબેને શનિવારે મોડીસાંજે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ૯૦ હજારના દાગીના તફડાવાયાની ફરિયાદ નોંધાવી હતી.
ચાર દિવસમાં બીજી ઘટના
નવસારી નજીક લુન્સીકૂઈથી ગણદેવી તરફ જતા માર્ગ ઉપર છેલ્લા ચાર દિવસમાં બીજી વખત મહિ‌લા પાસેથી ગઠિયો સોનાની માલમત્તા ચોરી ગયાનો બનાવ બન્યો છે. ચારેક દિવસ અગાઉ જ લુન્સીકૂઈ વિસ્તારમાં આવેલી વિજયપાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધા ગોદાવરીબેન લાડના ગળામાંથી બે અજાણ્યા બાઈક સવારો સોનાની ચેઈન તફડાવી ગયા હતા. આ બંને ઘટનામાં ભોગ બનેલ મહિ‌લાઓની ઉંમર વધુ હતી અને વિસ્તાર પણ લુન્સીકૂઈથી ગણદેવી જતો માર્ગ હોવાનું જણાયું છે.