ડાંગના નરેગા કૌભાંડમાં હજુ મોટા માથાની તપાસ બાકી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુખ્યમંત્રીને થયેલી ફરિયાદમાં લાખો રૂપિયા જયપુર મોકલ્યાનો ઉલ્લેખ

ડાંગ જિલ્લામાં નરેગા યોજનામાં થયેલા લાખો રૂપિયાના ભ્રષ્ટાચારમાં હાલ પોલીસ તપાસ કરી રહી છે અને આઠ જેટલાની ધરપકડ પણ કરી છે ત્યારે તપાસનો દોર આ કૌભાંડમાં જવાબદાર એવા ઉચ્ચ અધિકારી સુધી પહોંચશે કે પછી ભીનું સંકેલાશે? એ પ્રશ્ન ચર્ચાય છે.
નરેગા યોજનામાં કેશબંધ, પિપલદહાડ, શિંગાણા એમ ત્રણ જેટલી ગ્રામપંચાયતોમાં ૭૨ લાખ રૂપિયાના કામો કાગળ ઉપર દર્શાવી મોટાપાયે ગેરરીતિ બહાર આવતા ટીડીઓ પી.જે.પટેલે ફરિયાદ આપતા પોલીસે ઉચાપતનો ગુનો નોંધી આઠ જેટલાની ધરપકડ હમણાં સુધી કરી છે. ત્યારે આ યોજનામાં ડાંગ જિલ્લામાં લાખો રૂપિયાની ખાયકીમાં જવાબદાર ઉચ્ચ અધિકારી, પદાધિકારીઓ સુધી પોલીસ પહોંચે એ જરૂરી છે.
નોંધનીય છે કે નરેગા યોજના સહિ‌ત લાખો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદ જિલ્લા પંચાયતના ભાજપી સભ્યોએ રાજ્યના મુખ્યમંત્રીને કરી હતી. જેમાં વલસાડ, નવસારી વગેરે સ્થળોએથી કેટલાક દલાલોએ આંગડિયા મારફત લાખો રૂપિયા રાજસ્થાનના જયપુર ખાતે મોકલ્યા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. ત્યારે આ નાણા આંગડિયા મારફત રાજસ્થાનના જયપુરમાં આ રકમ કોણે સ્વીકારી હતી. ત્યારે ડાંગ જિલ્લામાં નરેગા યોજના સહિ‌ત અન્ય સરકારી યોજનામાં થયેલા લાખો રૂપિયાના ભ્રષ્ટાચારમાં સામેલ ઉચ્ચ અધિકારી, રાજકીય અગ્રણીઓની પણ તપાસ થવી જરૂરી છે.
નરેગા યોજનામાં લાખો રૂપિયાની ખાયકીમાં રાજકીય પક્ષનો ઓથો લઈ બેનર હેઠળ બેનિફટ લેનારા કેટલાક આગેવાનોએ બોગસ બિલો સિમેન્ટના આપ્યા હતા. ત્યારે ખરીદી વિના બોગસ બિલો કયા સંજોગોમાં અપાયા? આ કૌભાંડમાં જવાબદાર ઉચ્ચઅધિકારી, રાજકીય આગેવાનો સુધી પોલીસ ગાળિયો ફિટ કરશે કે પછી ભીનું સંકેલશે તે જોવું રહ્યું.