તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બારકોડેડ રેશનકાર્ડમાં ઢગલો ભૂલ, સુધારણા માટે લોકોના કચેરીએ આંટાફેરા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં વિતરીત કરાયેલા બારકોડેડ કાર્ડમાં ભૂલોથી લોકો મુશ્કેલીમાં
નવસારી જિલ્લામાં પુરવઠાની ગેરરીતિ રોકવા લોકોને અપાઈ રહેલા બારકોડેડ રેશનકાર્ડમાં ઢગલાબંધ ભૂલો થઈ છે. આ ભૂલોને સુધારવા લોકોએ સરકારી કચેરીના આંટાફેરા કરવા પડી રહ્યા છે.
નવસારી જિલ્લામાં મોટીસંખ્યામાં રેશનકાર્ડ ધારકો છે. આ કાર્ડધારકોમાં બીપીએલ, એપીએલ, તમામ પ્રકારના કાર્ડધારકોનો સમાવેશ થાય છે. હાલ સુધી જે રેશનકાર્ડ ચાલી રહ્યા હતા તેમાં અનાજના કાળાબજાર થઈ રહ્યાની વ્યાપક બૂમરાણ હતી. લાભાર્થીઓની જગ્યાએ ઘણાં કિસ્સાઓમાં બીજા જ અનાજ સગેવગે કરી જતા હતા. આ દૂષણને ડામવા સરકારે બારકોડેડ નિશાનવાળા રેશનકાર્ડ અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. બારકોડેડ રેશનકાર્ડની પ્રક્રિયા બે-ત્રણ વર્ષથી ચાલી રહી છે. હાલના સમયમાં આ પ્રક્રિયા ઝડપી બની છે અને અનેક કાર્ડધારકોને બારકોડેડ કાર્ડ આપી પણ દેવાઈ રહ્યા છે. જોકે, જેમ જેમ બારકોડેડ કાર્ડ વહેંચાઈ રહ્યા છે તેમ તેમ આ નવા કાર્ડોમાં થયેલ અસંખ્ય ભૂલોની બૂમરાણ પણ વધી રહી છે.
મળતી માહિ‌તી મુજબ જે બારકોડેડ કાર્ડ વહેંચાયા છે તેમાં અપવાદરૂપ કિસ્સામાં નહીં પરંતુ મોટી સંખ્યામાં કાર્ડોમાં એક યા બીજા પ્રકારની ભૂલો બહાર આવી રહી છે. નામો, સરનામા સહિ‌ત મહત્વની બાબતોમાં ભૂલ થઈ ગઈ છે. મહત્વની ભૂલો થઈ હોવાને કારણે કાર્ડધારકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.
આ અંગે મળતી માહિ‌તી મુજબ સરકારે અન્ય જિલ્લાઓની જેમ નવસારીમાં પણ બારકોડેડ કાર્ડ બનાવવાની કામગીરી ખાનગી એજન્સીઓને સોંપી હતી. અગાઉ કોઈક અન્ય એજન્સી હતી અને હાલ ટેરાસોફ્ટ નામની એજન્સી કામ કરી રહી છે. આ એજન્સી દ્વારા આ ભૂલો થઈ છે. નોંધનીય વાત એ છે કે, એજન્સીઓની ભૂલનો ભોગ કાર્ડધારકો બની રહ્યા છે.
કાર્ડધારકોએ ભૂલને સુધારવા સમય અને નાણાંનો વ્યય કરી નાછૂટકે સરકારી કચેરીના આંટાફેરા કરવા પડી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો પાડાના વાંકે પખાલીને ડામ મૂકાઈ રહ્યો છે. એજન્સી દ્વારા આટલી બધી ભૂલો શા કારણે થઈ ગઈ છે તે પણ ચર્ચાનો વિષય છે. આ ભૂલ અગાઉની એજન્સી દ્વારા થઈ હોવાનું પણ કહેવાય છે.
આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી બી.બી.વિહોનીયાએ જણાવ્યું કે, બારકોડેડ કાર્ડમાં ભૂલો આવી છે એ વાત સાચી છે, જે ભૂલો અગાઉની એજન્સી દ્વારા થઈ છે. જોકે તંત્ર દ્વારા આ ભૂલો સુધારવાની કામગીરી થઈ રહી છે.