નવસારીઃ એમ્યુઝમેન્ટ પાર્ક ભવન ખંડેર બન્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નવસારી નગર પાલિકા હસ્તકના એમ્યુઝમેન્ટ પાર્ક મકાનનો હજુ હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો નથી
- પટેલ સોસાયટી પાસેના આ પાર્કના મકાનના બારીબારણા નુકસાની પામ્યા તથા ઝાડીઝાંખરા ઉગી નીકળ્યા


નવસારીમાં સિંધી કેમ્પ રોડ ઉપર પટેલ સોસાયટી પાસે નગરપાલિકાએ ટી.પી. સ્કિમના રિઝર્વ પ્લોટમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા એમ્યુઝમેન્ટ પાર્ક તેના હેતુસરના વપરાશ વિના જ ખંડેર બની ગયા છે. બારી-બારણા ઠેકાણે પડી ગયા છે તો કંપાઉન્ડમાં ઝાડીઝાંખરા પણ ઉગી નીકળ્યા છે.

નવસારી શહેરનો સુનિયોજીત વિકાસ થાય તે માટે ટાઉન પ્લાનિંગ સ્કિમો બનાવવામાં આવી છે. આ ટાઉન પ્લાનિંગ સ્કિમોમાં વિવિધ હેતુઓ માટે પ્લોટો અહીંની નગરપાલિકાએ સરકારના દિશાસૂચન મુજબ રિઝર્વ કર્યા છે. નવસારી શહેરના ગણદેવી રોડને લાગુ તથા છાપરા, સિંધી કેમ્પ વિસ્તાર માટે ટી.પી. સ્કિમ-૪ બનાવવામાં આવી હતી. આ સ્કિમમાં પટેલ સોસાયટી પાસે અંદાજે ૧૩૯પ ચોરસમીટર જગ્યા બાળકો એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાના હેતુસર રિઝર્વ કરવામાં આવી હતી.

ટી.પી. સ્કિમ નંબર-૪માં એમ્યુઝમેન્ટ પાર્ક માટે જગ્યા રિઝર્વ કરાયા બાદ ઉક્ત જગ્યા ઉપર જ નવસારી પાલિકાએ આશરે ચારેક વર્ષ અગાઉ એમ્યુઝમેન્ટ પાર્ક માટેનું મકાનનું લોકાર્પણ કર્યું હતું. મકાનનું જ્યારે નિર્માણ કરવામાં આવ્યું ત્યારે પાલિકાએ આ મકાનમાં બાળકો માટે એમ્યુઝમેન્ટ પાર્ક સંદર્ભે વિવિધ પ્રોજેકટો અહીં શરૂ કરવાની વાતો કરી હતી. આજે ઉક્ત મકાન બન્યાને ચાર વર્ષથી ય વધુ સમયગાળો વિતી ગયો છે છતાં ટી.પી. સ્કિમમાં જે હેતુ માટે મકાન બનાવાયું એ એમ્યુઝમેન્ટ પાર્ક સંદર્ભની પ્રવૃત્તિ અહીં નગરપાલિકા એક યા બીજા કારણે શરૂ કરી શકી નથી.

નોંધનીય અને નવાઈની વાત એ છે કે પટેલ સોસાયટી પાસેના ઉક્ત મકાન યા તેના કંપાઉન્ડમાં એમ્યુઝમેન્ટ સંદર્ભની પ્રવૃત્તિ તો શરૂ થઈ નથી પરંતુ મકાન યા કંપાઉન્ડની પૂરતી દેખરેખ પણ અહીંની નવસારી નગરપાલિકા રાખી શકી નથી, પાર્ક માટે બનાવાયેલ મકાનના બારી-બારણા જ્યાંને ત્યાં તૂટી ગયા છે, બારીના કાચો પણ મોટાભાગના તૂટી ગયા છે. મકાનની હાલત જ્યાં દિનપ્રતિદિન બગડી ગઈ છે ત્યાં આ પાર્કના કંપાઉન્ડની પણ દેખરેખ થઈ શકી નથી.

કંપાઉન્ડમાં જ્યાંને ત્યાં ઝાડીઝાંખરા ઉગી નીકળ્યા છે અને સાપ પણ ફરતા થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો પાલિકાનો એમ્યુઝમેન્ટ પાર્ક મકાન તથા કંપાઉન્ડ તેના હેતુસરના ઉપયોગ વિના જ ખંડેર બની ગયું છે. આ બાબતે નવસારી પાલિકાના ઉપપ્રમુખ હિંમતભાઈ પટેલે જણાવ્યું કે આ એમ્યુઝમેન્ટ પાર્ક માટેના મકાનને ઠીકઠાક કરી તેના ઉપયોગ કરવાનું આયોજન પાલિકા કરી જ રહી છે.

- આયોજનો તો થયા પરંતુ

નવસારી પાલિકાએ ટીપી સ્કિમના રિઝર્વ પ્લોટમાં ચારેક વર્ષ અગાઉ બનાવાયેલ એમ્યુઝમેન્ટ પાર્કના ભવનના ઉપયોગ માટે પાલિકાએ યોજનાઓ તો ઘણી હતી પરંતુ હજુ સફળ થઈ નથી. મળતી માહિ‌તી મુજબ પાલિકાના અર્બન હેલ્થ સેન્ટરને પણ આ ભવન કંપાઉન્ડમાં શરૂ કરવાની તજવીજ શરૂ કરાઈ હતી. ભૂતકાળમાં ભવનને એમ્યુઝમેન્ટના હેતુ માટે જ અન્યોને ભાડે આપવાની પણ એક વાત ચર્ચાઈ હતી પરંતુ તે પણ આગળ વધી ન હતી.