નવસારી-ગણદેવીને જોડતો સોનવાડી અંબિકાનો પુલ ભયજનક

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નવસારી-ગણદેવીને જોડતા સ્ટેટ હાઇવે પર આવેલો સોનવાડી નજીકનો અંબિકા નદીનો પુલ પ્રથમ નજરે જ બેસી ગયેલો જણાય આવે છે

નવસારી-ગણદેવી સ્ટેટ હાઈવે ઉપર અંબિકા નદી ઉપરના સોનવાડી નજીક પુલના મધ્યભાગથી ઉત્તર દિશા તરફના પિલરો બેસી જતા આ પુલ ભયજનક બની ગયો છે. ઈ.સ. ૧૯૩૬માં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રજાની સુખાકારી અને યાતાયાત માટે આ પુલ બનાવ્યો હતો. નવનિર્માણ થઈ રહેલા પુલની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. જો આગામી ચોમાસા પહેલા નવો પુલ તૈયાર નહીં થાય તો પૂરમાં જૂનો પુલ જમીનદોસ્ત થઈ જાય તો નવાઈ નહીં.

નવસારી-ગણદેવીને જોડતો સ્ટેટ હાઈવે ઉપર પૂલ વચમાં નમી ગયેલો હોવાનું પ્રથમ નજરે પણ જોઈ શકાય છે. આ પુલનો ભાગ બેસી જવા માટે બેથી ત્રણ કારણો જવાબદાર હોવાનું આ વિસ્તારના નિષ્ણાંતોનું માનવું છે. પુલથી દૂર રેતીખનન થવું જોઈએ. આ નિયમનું પાલન થતું નથી. પુલની બાજુમાં નવો પુલ તૈયાર કરવા નદી પર ખાડીનો આડબંધ કરવામાં આવ્યો છે, જેના કારણે ચોમાસામાં નદીના મધ્યના પુલના ભાગમાં પાણીના ધસમસતા પ્રવાહના કારણે નવા અને જૂના પિલરો પાસે ધોવાણ થઇ ગયું છે. અંબિકા નદી ઉપરનો પુલ પાણીના ધસમતા પ્રવાહના કારણે કે પછી ભારે માલવાહક વાહનોની અવરજવરથી નમી ગયો છે તે નક્કી કરવાનું કામ સરકારી તંત્રનું છે.

- ટોલ ટેક્સ બચાવવા ભારે વાહનોએ રસ્તો બદલ્યો

બોરીયાચ નજીક ટોલનાકા ઉપરનો ટોલટેક્સ બચાવવા ભારે માલવાહક વાહનોની અવરજવરનું પ્રમાણ આ પુલ ઉપરથી ઘણું વધી ગયું છે. આ બાબતે આ વિભાગના લોકોએ જિલ્લા કલેકટર, આરટીઓ, પોલીસ અધિક્ષકને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી પરંતુ તે વાંઝણી પુરવાર થયેલી જોવા મળે છે.