નવસારી જિલ્લામાં આધારકાર્ડની કામગીરીમાં વિલંબ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧૧૦ કિટો મંજૂર થઈ છે તેમાં હાલ ૭૦ કિટ જ કાર્યરત છે, હાલ સુધીમાં ૨.૯૮ લાખ આધારકાર્ડની કામગીરી થઇ
નવસારી જિલ્લામાં આધારકાર્ડ માટેની કિટ ઓછી પડતા કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે અને હજુ ૭૦ ટકા જેટલી કામગીરી બાકી રહી છે.
ભારત સરકારનો હાલના સમયનો સૌથી મહત્વનો પ્રોજેક્ટ યુઆઈડી (આધારકાર્ડ)નો છે. સરકાર આ કાર્ડને અનેક સરકારી યોજનાઓ તથા કામગીરી માટે મહત્વનો બનાવવા માંગે છે. નવસારી જિલ્લામાં પણ આધારકાર્ડ માટેની કામગીરી ચાલી રહી છે.
નવસારી જિલ્લામાં આધારકાર્ડની જે કામગીરી ચાલી રહી છે તેમાં ટેરા સોફ્ટવેર નામની એજન્સી કામ કરી રહી છે. આધારકાર્ડ માટેની કિટ આ એજન્સી પુરી પાડી રહી છે. જિલ્લામાં આધારકાર્ડ માટે ૧૧૦ કિટ મંજૂર થઈ હતી. પરંતુ તેની સામે ૭૦ કિટ જ હાલ કામ કરી રહી છે. જેમાં નવસારી શહેરમાં ૧૨, નવસારી ગ્રામ્યમાં ૬, જલાલપોર તાલુકામાં ૪, ચીખલી તાલુકામાં ૧પ, ગણદેવી તાલુકામાં ૧૮ અને વાંસદા તાલુકામાં ૧પ કિટો હાલ કાર્યરત છે. કિટ અપૂરતી હોવાને કારણે કામગીરીમાં થોડો વિલંબ થઈ રહ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લાની કુલ ૧૩.૩૦ લાખની વસતિમાં ૧૦.૬૪ લાખ આધારકાર્ડ આપવાનો ટાર્ગેટ છે. જેની સામે હાલ સુધીમાં ૨.૯૮ લાખ આધારકાર્ડની કામગીરી થઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો ૭૦ ટકા કામગીરી હજુ બાકી છે. તાલુકાવાર જોઈએ તો નવસારી તાલુકામાં ૧.૦૩ લાખ, જલાલપોર તાલુકામાં ૩૪૧૦૪, વાંસદામાં ૧.૦૦ લાખ, ચીખલીમાં ૪૯૯૦૮ અને ગણદેવીમાં ૧૧૬૦૯ આધારકાર્ડની કામગીરી થઈ છે.
અપૂરતી કિટ અંગે આધારકાર્ડની કામગીરીના જિલ્લા કોઓર્ડિનેટર (ટેરા સોફ્ટવેર) રાકેશભાઈ મ્હાલાએ જણાવ્યું કે, પ૦થી વધુ કિટ અંગેની ડિમાન્ડ ઉચ્ચ કક્ષાએ મોકલી દેવામાં આવી છે. જે આવી જતાં આધારકાર્ડની કામગીરીમાં ઝડપ આવશે.
આમડપોર ગામમાં કામગીરી અચાનક બંધ થતા ગ્રામજનોમાં નારાજગી
નવસારી તાલુકાના આમડપોર ગામે આધારકાર્ડની કામગીરી અધવચ્ચેથી બંધ કરી દેવાતા અનેક લોકો અટવાઈ ગયા છે. આ અંગે મળતી માહિ‌તી મુજબ આમડપોર ગામે આધારકાર્ડની કામગીરી ચાલતી હતી. આ કામગીરી દરમિયાન બે દિવસ અગાઉ કામગીરી કરનાર સ્ટાફે બાકી રહેલાઓને બે દિવસમાં આવી જવા જણાવતા બુધવારે મોટીસંખ્યામાં લોકોનો ધસારો થયો હતો. આ ધસારામાં અને ભીડમાં આધારકાર્ડની કામગીરીમાં વપરાતા પડદાને નુકશાન થયું હતું. સામાનને નુકશાન થતા કામગીરી બંધ કરાઈ હતી. ગુરૂવારે પણ ગામના મોટીસંખ્યામાં આધારકાર્ડથી વંચિત રહેલાઓ પંચાયત કચેરીએ આવ્યા હતા. પરંતુ સવારે કામગીરી ન થતાં નિરાશ થયા હતા. આમડપોરમાં જે લોકો આધારકાર્ડની કામગીરીથી વંચિત રહ્યા છે તેમાં મહત્તમ ગરીબ હળપતિઓ જ છે. ગ્રામપંચાયતના સરપંચ જ્યોતિબેન પટેલે જણાવ્યું કે, ગરીબ હળપતિઓ રોજ પાડી આધારકાર્ડની કામગીરી માટે આવી કામ નહીં થતા નારાજ થયા છે. હજુ પાંચ જેટલા ફળિયાના અંદાજિત પ૦૦ લોકોના કાર્ડની કામગીરી બાકી રહી છે.