ડાંગમાં ઓટલા પરિષદના માધ્યમથી ફરજિયાત મતદાન કરવા અનુરોધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાપુતારા: 173-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિસ્તારની આગામી 9મી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વ્યાપકપણે મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરાયુ છે.ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી બી.કે.કુમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ઠેર ઠેર મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે.

 

યુવા મતદારોની જનજાગૃતિ રેલી સહિત આહવા, વઘઇ, સુબીર જેવા તાલુકા મથકો અને ગિરિમથક સાપુતારા ખાતે હોર્ડિંગ્સ બેનર્સ, વોલ પેઇન્ટિંગના માધ્યમથી મતદારોને પ્રેરણાત્મક સંદેશાઓ પાઠવવામાં આવી રહ્યાં છે. શાળા/મહાશાળા ખાતે વિવિધ શૈક્ષણિક સ્પર્ધાના માધ્યમથી પણ વ્યાપક જનચેતના જગાવવામાં આવી રહી છે. 


આ સિવાય અહીં ગામે ગામ ઓટલા પરિષદના માધ્યમથી મતદારોને તેમના મતાધિકારના ઉપયોગની સમજણ આપવામાં આવી રહી છે. સિગ્નેચર કેમ્પેઇન દ્વારા પણ ડાંગ જિલ્લામાં લોકશાહીના જતન અને સંવર્ધન માટે, હું મતદાન અવશ્ય કરીશ એવો સંકલ્પ લેવડાવાઇ રહ્યો છે. તો ઠેર ઠેર સ્ટીકર વિતરણ કરીને પણ મતદારોને પ્રોત્સાહિત કરાઇ રહ્યાં છે.


તાજેતરમાં જિલ્લામાં જુદા જુદા ત્રણ તબક્કાઓમાં શ્રેણીબદ્ધ ઓટલા પરિષદો ગોઠવી, જિલ્લા ચૂંટણી તંત્રે મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં કુલ 41 જેટલી ઓટલા પરિષદો ગોઠવી ક્ષેત્રિય કર્મચારીઓ દ્વરા 5500 જેટલા મતદારોનો વ્યક્તિગત સંપર્ક સાધી તેમને મતદાન માટેની અપીલ કરી છે.
 ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામાં ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2012માં 69.18 ટકા મતદાન થવા પામ્યુ હતું. જ્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં અહી 81.33 ટકા મતદાન નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...