કુકેરી: પાણીની સમસ્યા સર્જાતા વિદ્યાર્થીઓને રજા, શાળાના તમામ બોર નિષ્ફળ ગયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકેરી: ચીખલી તાલુકાના અગાસી, મોગરાવાડી તેમજ ખેરગામ તાલુકાના કાકડવેરી સહિત ગામોમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે. પાણીની સમસ્યા બાબતે તંત્રને જાણ કરવા છતાં કોઈ પગલાં ન લઈ પાણીનો પ્રશ્ન હલ ન કરાતા તંત્રના ભેદી મૌન વચ્ચે અગાસી ગામે આવેલી હાઈસ્કૂલના હોસ્ટેલના વિદ્યાર્થીઓને રજા આપી દેવાની ફરજ પડી છે અને વિદ્યાર્થીના શિક્ષણ પર અસર પડવાની નોબત આવતા પાયાની સગવડના અભાવે ગુણોત્સવ કે કન્યા કેળવણી જેવા સરકારના કાર્યક્રમ નિરર્થક સાબિત થઈ રહ્યા છે.
ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ
ચીખલી તાલુકાના છેવાડે આવેલા અગાસી, મોગરાવાડી તેમજ ખેરગામ તાલુકાના કાકડવેરી સહિત ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. પાણીના પ્રશ્ન બાબતે ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવા છતાં પાણી પુરવઠા વિભાગ અને વહીવટીતંત્રના અધિકારીઓની લાપરવાહી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત જવાબદારો દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા પાણીનો પ્રશ્ન દિવસે દિવસે વિકટ થતો જઈ રહ્યો છે. અગાસી ગામે સર્વોદય ટ્રસ્ટ સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં શાળા કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં મોટાભાગે ધરમપુર, કપરાડા, ડાંગ, વઘઈ વિસ્તારના 175 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરે છે.
પાણી ઉપયોગમાં લઈ શકાય તેમ નથી

હાઈસ્કૂલમાં આવેલા બોરમાં પાણીનું સ્તર સાવતળિયે જતા તેમજ હોસ્ટેલ નજીક આવેલા કૂવામાં થોડુ ઘણુ પાણી છે પરંતુ જે ડહોળુ હોવાથી ઉપયોગમાં લઈ શકાય તેમ નથી.પાણીના અભાવે 175 વિદ્યાર્થીઓની રસોઈ ઉપરાંત પીવા તથા નહાવા-ધોવા માટેના પાણીની ગંભીર સમસ્યા ઉભી થતા આખરે શાળા સંચાલકોએ હોસ્ટેલના વિદ્યાર્થીઓને નાછૂટકે રજા આપી દેવાની ફરજ પડી છે. એજ રીતે મોગરાવાડી ગામે નિચાળ ફળિયાની ધો. 8ના પ્રાથમિક શાળામાં 177 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

100 મીટર દૂર કુવામાંથી માંડ 5-10 મિનિટ થોડુ ઘણુ પાણી

આ શાળામાં હમણા સુધીમાં 14 બોર કરવામાં આવ્યા છે પરંતુ પાણીનો પૂરતો જથ્થો ન નીકળતા તાજેતરમાં 6ઠ્ઠી જૂને નવો બોરવેલ 300 ફૂટ ઉંડો કરવામાં આવ્યો પરંતુ પાણીના સ્થાને ધૂળની ડમરીઓ જ ઉડવા પામી હતી. હાલમાં શાળાથી અંદાજે 100 મીટર દૂર કુવામાંથી માંડ 5-10 મિનિટ થોડુ ઘણુ પાણી મળે છે તેનાથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. શાળાના વિદ્યાર્થીઓ ઘરથી જ પાણીની બોટલ લઈને આવે છે પરંતુ જે પાણી પણ પૂરૂ થઈ જતા તરસ્યા રહેવાની નોબત આવે છે. એજ રીતે ખેરગામ તાલુકાના કાકડવેરી ગામે પણ પાણીની સમસ્યા વર્ષો જૂની છે.
વહીવટીતંત્ર પાણીની સમસ્યા અંગે ગંભીર નથી

અગાસી ગામ હાઈસ્કૂલ અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે પાણીની ગંભીર સમસ્યા સર્જાતા આ બાબતે ત્રણેક દિવસ અગાઉ ચીખલી તાલુકા મામલતદાર તેમજ આગેવાનોને રજૂઆત કરવામાં આવી હતી. પાણી પુરવઠા વિભાગ પાણીની સમસ્યા બાબતે ગંભીર નથી ત્યારે હજુ સુધી પાણીની કોઈ વ્યવસ્થા કે ટેન્કરથી પાણી પુરૂં પાડવાનું આયોજન નથી. સંકલનની મિટિંગમાં ચર્ચા કરી પ્રશ્ન હલ કરવાનું ગાણુ ગવાયું છે. વહીવટીતંત્રને વિદ્યાર્થીના ભાવિ અને શિક્ષણની ચિંતા નથી અને પાણીની ગંભીર સમસ્યા બાબતે ગંભીરતા પણ જણાતી નથી.
સમસ્યા હલ કરવામાં આવશે

અગાસી ગામની હોસ્ટેલની પાણીની સમસ્યાની રજૂઆત મળી છે અને જેની માહિતી લીધી છે. આવતીકાલે સંકલનની મિટિંગમાં પાણી પુરવઠાના અધિકારી સાથે મળી સમસ્યા હલ કરવામાં આવશે.- કે.એન. પટેલ, મામલતદાર, ચીખલી
નાછૂટકે રજા આપવામાં આવી છે

અમારા કંપાઉન્ડમાં એક બોર છે જેમાં પાણીનું સ્તર નીચે જતા પાણીની સમસ્યા સર્જાય છે. હોસ્ટેલ નજીક કૂવો આવેલો છે જેમાં થોડુ પાણી છે પરંતુ જે ડહોળુ હોવાથી ઉપયોગમાં લઈ શકાય એમ નથી. પાણીની સમસ્યા બાબતે કપરો સમય આવતા નાછૂટકે હોસ્ટેલના બાળકોને રજા આપવાની નોબત આવી છે. - જશવંતભાઈ પટેલ, આચાર્ય, અગાસી ઉત્તર બુનિયાદી વિદ્યાલય
પાણીની ગંભીર સમસ્યા ઉભી થઇ, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...